Sunday - May 17, 2026

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાન પર છરી-ધારિયા વડે હુમલો

મોરબીમાં જૂની અદાવતનો ખાર  રાખીને યુવાન પર છરી-ધારિયા વડે હુમલો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા યુવાને જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી અને ધારિયા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મસ્જિદ સામેના ભાગમાં રહેતા સિકંદરભાઈ કાદરભાઈ મોવર (24)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરુખ પરમાર તથા ઈરફાન નાનુભાઈ ઘાંચી રહે. બંને મિલન પાર્ક શેરી નં-3 મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને આરોપી શાહરુખ સાથે જૂની અદાવતનું મનદુઃખ હતું અને તે બાબતનો ખાર રાખીને શાહરુખે છરી વડે હુમલો કરીને ફરિયાદીને બંને હાથમાં તથા પગના ભાગે ઇજાઓ કરી હતી તેમજ ઈરફાને ઊંધો ધારિયાનો ઘા ફરિયાદીને પીઠના ભાગે માર્યો હતો જેથી તેને ઈજા થઈ હતી અને તે નીચે પડી જતા બંને આરોપીઓએ ભેગા મળીને ગાળો આપીને ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે