વર્ષોથી મુખ્ય અધિક્ષકના અભાવે હોસ્પિટલનું સંચાલન રામભરોસે, કુલ 46માંથી માત્ર 27ના સ્ટાફથી જ ચાલતી હોસ્પિટલ
(રવિ બરાસરા મોરબી) : મોરબી જિલ્લાના સૌથી વધુ અવિકસિત માળીયા મિયાણા તાલુકાની સરકારી હોસ્પિટલ સરકાર અને તંત્રના પાપે ગરીબ દર્દીઓને સ્વસ્થ કરવાને બદલે પીડા આપી રહી હોય એવી કપરી હાલત સામે આવી છે. જેમાં સરકારી હોસ્પિટલમાં મહત્વના તબીબ સહિતના નિષ્ણાત સ્ટાફ અને અત્યાધુનિક તબીબી સાધન સગવડોના અભાવે માળીયા શહેરની આશરે 25 હજાર અને સમગ્ર માળીયા તાલુકાની મળીને અંદાજે 70 ની જનતાને પાર વગરની મુશ્કેલી પડી રહી છે. વર્ષોથી આ હોસ્પિટલમાં એક મહત્વના મુખ્ય અધિક્ષકની જગ્યા ખાલી હોવાથી આ હોસ્પિટલનું સંચાલન રામભરોસે થઈ ગયું છે. ઉપરાંત તજજ્ઞ ડોકટરની 5 જગ્યામાંથી બે જગ્યા જ ભરેલી હોય આ બે ડોક્ટરથી આખી હોસ્પિટલ ચાલે છે.
માળીયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં માત્ર બે જ ડોકટરો હોય એમાં એક ડોક્ટર સંજોગવસાત ઘણીવાર રજા ઉપર ઉતરે કે બન્ને ડોકટરો ગેરહાજર રહે તો દર્દીઓની પરિસ્થિતિ નાજુક બની જાય છે. માળીયા તાલુકો મોટાભાગનો શ્રમજીવી હોય એટલે સમ ખાવા પૂરતી એક જ હોસ્પિટલ હોય પણ એમાં યોગ્ય સારવાર ન મળે તો મોટાભાગના લોકોને આર્થિક રીતે પરવડે તેમ ન હોવા છતાં દર્દમાંથી સ્વસ્થ થવા માથે દેવું કરીને મોરબી ધક્કા ખાઈને મોંઘી અને ખર્ચાળ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડે છે. આ હોસ્પિટલમાં એક દાંતના સર્જનની જગ્યા ખાલી, તબીબી અધિકારીની એક જગ્યા ખાલી, જુનિયર ફાર્માસિસ્ટની એક જ જગ્યા હોય એ પણ ખાલી, હેડ નર્સની પણ એક જગ્યા હોય એ પણ ખાલી, સ્ટાફ નર્સની 8માંથી 2 જગ્યા ખાલી, વોર્ડ સર્વન્ટની 5માંથી 2 ખાલી, વોર્ડ આયા 5માંથી 2 ખાલી, પાર્ટ ટાઈમ સ્વીપરની 6માંથી 3 જગ્યા ખાલી એમ મળીને કુલ 46માંથી 19 ખાલી હોવાનું કાગળ પર દર્શાવ્યું છે. પણ હિક્ક્ત કઈક અલગ છે. મોટા સર્જન સહિત ક્વોલિફાઇડ સ્ટાફ ખાલી હોય સરકાર કે તંત્ર આ જગ્યા ભરવાની તસ્દી જ લેતા દર્દીઓને ભારે હાડમારી વેઠવી પડે છે.
વારંવાર અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મોરબી કે રાજકોટ ધકેલી દેવાય
માળીયા હાઇવે અકસ્માત ઝોન બની ગયો હોય એમ અકસ્માત વગર એક દિવસ પણ ખાલી જતો નથી, અકસ્માતોની હારમાળા સર્જાતી હોય અકસ્માત ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર જરૂર પડતી હોવાથી નજીકની માળીયાની હોસ્પિટલમાં ખસેડાય છે. પણ મોટાભાગના ગંભીર ઇજાગ્રસ્તોનો હાથ ઝાલ્યા વગર સીધેસીધાં જ મોરબી કે રાજકોટ ધકેલી દેવાય છે. આથી ગંભીર અકસ્માતના દર્દીઓને સમયસર ઇમરજન્સી સારવાર ન મળતા ઘણા ઇજાગ્રસ્તોના મોત થયા હોય એવા અનેક કિસ્સા સામે આવ્યા છે. આથી સ્થાનિક રહીશ ઇકબાલભાઈ સંઘવાણીએ રાજ્યના આરોગ્ય વિભાગને રજુઆત કરી માળીયાની આ એકમાત્ર હોસ્પિટલમાં ખૂટતી તમામ સુવિધાઓ વહેલી તકે પુરી પાડવાની માંગ કરી છે.
ફાર્માસિસ્ટની જગ્યા પર નર્સ કામ કરે છે
માળીયાની સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની જગ્યા વર્ષોથી ખાલી છે. પરંતુ એની જગ્યા નર્સે સાંભળી લીધી છે. આ નર્સ જ જાણે ફાર્માસિસ્ટ હોય એમ અનુભવ કે ભણેલી ન હોવા દવા સહિતનું કામ કરતી હોવાથી દર્દીઓ આરોગ્ય સાથે ચેડાં થવાની ભારે ભીતિ રહે છે. આવી રીતે હોસ્પિટલમાં કાગળ પર જે જગ્યા ભરેલી હોય એ જગ્યા પર ક્વોલિફાઇડને બદલે બિન અનુભવી માણસ જ કામ કરતા હોવાની ફરિયાદ સામે આવી છે.
પીએમ રૂમ જર્જરિત, જીવના જોખમે પીએમ કરવાની ફરજ
સરકારી હોસ્પિટલનો પીએમ રૂમ એટલી હદે જર્જરિત બનીને જોખમી થઈ ગયો છે કે વારંવાર પોપડા ખરે છે. આથી જીવના જોખમે સ્ટાફને પીએમ કરવું પડે છે. આમ તો ક્યારેક જ પીએમ થાય છે. કારણ કે માળીયામાં ક્વાર્ટર ન હોય પીએમ માટેનો સ્વીપર સહિતનો સ્ટાફ જ નથી. પીએમ કરવા માટે આ સ્ટાફને મોરબીથી બોલાવવો પડે છે.