Saturday - May 16, 2026

મોરબીમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળની બાલ્કનીમાં ફસાયેલા મહિલાને ફાયરની ટીમે બચાવ્યા

મોરબીમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળની બાલ્કનીમાં ફસાયેલા મહિલાને ફાયરની ટીમે બચાવ્યા

રાજકોટથી આવેલા મોરબી રહેવા આવ્યાના પ્રથમ દિવસે બનેલી ઘટના

મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર વોડાફોન વાળી શેરીમાં આવેલ એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બાલ્કનીમાં ફસાઈ ગયેલા મહિલાનું મોરબી ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમનો આબાદ બચાવ કર્યો છે.

મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે ૮:૨૦ કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં ૧૧૨ દ્વારા કોલ મળ્યો હતો કે, આસ્થા-એ બિલ્ડીંગમાં લિફ્ટમાં એક મહિલા ફસાયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ત્યાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા લિફ્ટમાં નહીં, પરંતુ ત્રીજા માળે પોતાના ફ્લેટની બાલ્કનીમાં ફસાયા હતા. આ મહિલાનું નામ નિતાબેન ભરતભાઇ જોશી (ઉ.વ.52) હતું. બાલ્કનીના દરવાજાનો લોક ખરાબ થઈ જવાના કારણે દરવાજો લોક થઈ ગયો હતો અને મહિલા બહાર બાલ્કનીમાં જ ફસાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમે પહેલા બહારથી સીડી લગાવીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જાળીના કારણે તેમાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ ટીમે ઉપર જઈને ફાયરમેન એક્સ અને ક્રોબારની મદદથી પાછળનો દરવાજો તોડીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા મહિલા સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પરિવાર તાજેતરમાં જ બહારથી અહીં રહેવા આવ્યો હતો.

રાજકોટથી મોરબીમાં રહેવા આવેલા નીતાબેન જોશી માટે નવા ફ્લેટમાં રહેવા જવાનો પહેલો જ દિવસ મુશ્કેલીભર્યો બની રહ્યો હતો. તેઓએ જણાવ્યું કે કિચનની બહારની બાલ્કનીમાં ગયા હતા ત્યારે અચાનક દરવાજાની સ્ટોપર લોક થઈ જતા તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. આગળનો દરવાજો પણ બંધ હોવાથી તેઓ અંદર જઈ શક્યા ન હતા. આસપાસના લોકોને જાણ કર્યા બાદ આખરે ફાયર બ્રિગેડને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી હતી. નીતાબેન આશરે એક કલાક સુધી બાલ્કનીમાં ફસાયેલા રહ્યા હતા, ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને ઝડપથી કામગીરી કરી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.