Monday - May 04, 2026

માળિયા (મી.)માં ભારે પવનથી હેવી વીજ લાઇનનો થાંભલો ત્રાટકતા ખેતરમાં આગ ભભૂકી

માળિયા (મી.)માં ભારે પવનથી હેવી વીજ લાઇનનો થાંભલો ત્રાટકતા ખેતરમાં આગ ભભૂકી

મોરબી : માળિયા મિયાણા તાલુકાના મોટી બરાર અને રાસંગપર ગામ વચ્ચે આવેલા એક ખેતરમાં આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં આવેલા ભારે પવન અને તોફાનના કારણે 400 KV વીજ લાઇનનો એક તોતિંગ થાંભલો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. થાંભલો પડવાની સાથે જ વીજ વાયરો ખેતરમાં પડતા આગ ભભૂકી ઉઠી હતી, જોકે સદનસીબે એક યુવાનની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી.

મોટી બરારના રહેવાસી મહેશભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વહેલી સવારે 4 વાગ્યે આવેલા તોફાનમાં મુંદ્રાથી માનસર જતી 400 KV વીજ લાઇનનો પોલ ધરાશાયી થઈ ગયો હતો. આ થાંભલો નારાયણભાઈ હરિભાઈ ડાંગરના ખેતરમાં પડ્યો હતો. સવારે જસાપર રહેતો તેમનો ભાણેજ આ ખેતરમાં લીલી સાંઠીયું કાઢવા માટે ગયો હતો. તે સમયે તેણે દૂરથી જ ખેતરમાં વીજળીના ભડકા થતા જોયા હતા. આ દ્રશ્યો જોઈને તે ખેતરમાં પ્રવેશ્યો ન હતો અને તરત જ અટકી ગયો હતો. જો તેણે ખેતરમાં પ્રવેશ કર્યો હોત તો જીવનું મોટું જોખમ ઉભું થઈ શક્યું હોત.

વીજ વાયરો જમીન પર પડવાના કારણે શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ લાગી ગઈ હતી અને ખેતરમાં પડેલી લીલી સાંઠીયું સળગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ તંત્રનો પોલ તૂટતા ખેતરમાં નુકસાન પહોંચ્યું છે.