અન્નનો ત્યાગ ખેડૂતની તબિયત ખરાબ થતા તેમને તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાયા
મોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજલાઈનના યોગ્ય વળતર સહિતના પોતાના હકો માટે ચલાવવામાં આવી રહેલા આંદોલને હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રતીક ઉપવાસ બાદ ગુરુવારથી ખેડૂત આંદોલન પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યું છે. આ લડતમાં ખેડૂતો અન્નનો સંપૂર્ણ ત્યાગ કરી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ ઉપવાસ આંદોલનના બીજા દિવસે એક ખેડૂતની તબિયત લથડી છે.
આ ઉપવાસ આંદોલન દરમિયાન ખેડૂતો અન્ય કોઈ પણ પ્રકારનું અન્ન કે પ્રવાહી લીધા વિના માત્ર પાણી જ ગ્રહણ કરી રહ્યા છે અને જ્યાં સુધી કંપનીની મનમાની બંધ નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જાહેર કરાયું છે. આંદોલનની શરૂઆત સવારે મોટી સંખ્યામાં ખેડૂતો અને સાધુ-સંતોની હાજરીમાં થઇ હતી. તમામ લોકોએ રામજી મંદિરે દર્શન કર્યા બાદ આ આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા. કૈલાશગીરી ગુરૂ મહાદેવગીરી, રતિલાલ શિવાલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, ભાડજા રામજીભાઈ નાનજીભાઈ અને નિલેશભાઈ એરવાડિયા એમ આ 5 લોકોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
આમરણાંત ઉપવાસના આજે બીજા દિવસે આંદોલનકારી રામજીભાઈ નાનજીભાઈ ભાડજાની તબિયત લથડી હતી. તેમની તબિયત વધુ બગડતા તેઓને તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખેડૂતની તબિયત લથડતા આંદોલન છાવણી અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.