મોરબી:- મોરબી જિલ્લામાં આવેલ હજનાળી ગામમાં આજે હજનાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ની જિલ્લા ફેર કેમ્પ દ્વારા પોતાના વતનમાં બદલી થતા તેમનો વિદાય સમારંભ આજ રોજ તા.23/12/2024 ના રોજ યોજાયો હતો,
શાળા દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષકો માટે જિલ્લા ફેર નો કેમ્પ યોજાયો હતો, જેમાં મોરબી જિલ્લા અને તાલુકામાં આવેલ હજનાળી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન ના શિક્ષક તરીકે ફરજ બજાવતા શાળાના શિક્ષક *ગોરધનભાઈ પરમાર* ની તેમના વતન દ્વારકા જિલ્લામાં બદલી થતા, હજનાળી શાળા પરિવાર દ્વારા તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો,
આ કાર્યક્રમમાં ગામના સરપંચ મહેશભાઈ પારેજીયા,ગ્રામજનો,શાળાના ભૂતપૂર્વ શિક્ષકો સાણંદીયા સાહેબ, કાનજી સાહેબ, ટુંડીયા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત, વિદાય ગીત પર વિવિધ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા,
તેમજ વિદાય સમારંભ ના ભાગરૂપે શુભેચ્છા ભાષણ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય ગીત રજુ કરવામાં આવ્યું હતું, એ દરમિયાન વાતાવરણ ખુબ જ ગમગીન થઈ ગયું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય અમિતભાઈ ખાંભરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યુ હતું, વિદાય લેનાર શિક્ષક ને શાળાના સ્ટાફ દ્વારા તેમને કરેલ સારી કામગીરી બદલ સન્માન પત્ર અને યાદગીરી રૂપે મોમેન્ટ આપવામાં આવ્યું હતું,
આ તકે પરમાર ગોરધનભાઈ દ્વારા શાળાના તમામ બાળકો અને સ્ટાફને ભોજન કરાવવામા આવ્યું હતું, તેમજ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ પેટે રૂપિયા 5500નું અનુદાન આપવામાં આવ્યું હતું, શાળામાં પધારેલ અન્ય મહેમાનો દ્વારા પણ બાળકોને રૂપિયા 2,000નું અનુદાન આપવામાં આવ્યુ હતું,
આ કાર્યક્રમ ના અંતે આભાર વિધિ શાળાના શિક્ષક મોહિતભાઈ ચનિયારા દ્વારા કરવામાં આવી હતી, કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા સપનાબેન પીઠડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક અશ્વિનભાઈ ચાવડા, દક્ષાબેન મકવાણા તેમજ શાળાના મઘ્યાહ્ન ભોજનના સંચાલક સાગરભાઇ પારેજીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.