કારખાનામાં કામ કરતી વખતે શ્રમિકને પીઠ સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર થયા ઇજા થતા પેરાલિસિસ થઈને કાયમી પથારીવશ રહે તેવી નાજુક હાલત વચ્ચે કારખાનેદાર દંપતીની "આત્મીયજન જેવી હમદર્દીભરી સેવા" થી એ શ્રમિક એકદમ સ્વસ્થ બન્યા
(રવિ બરાસરા ) : સમગ્ર વિશ્વમાં ઔધોગિક રીતે વિકસિત સિટીમાં ગણાતા મોરબીમાં સીરામીક સહિતના હજારો નાના મોટા ઉધોગોમાં મશીનરીઓમાં મજૂરી કામ વખતે અસંખ્ય શ્રમિકોને અનેક નાના મોટા અકસ્માતમાં ગંભીર ઇજા થયાના બનાવોમાં કોઈ કારખાનેદારે હોસ્પિટલમાં લાખોના ખર્ચે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર કરાવીને શ્રમિકોના જીવ બચાવ્યા હોય એવું ભાગ્યે જ સામે આવ્યું છે. ત્યારે ભાગ્યે જ બનેલી એક ઘટનામાં અહીં આપણે કારખાનેદાર દંપતીએ ગંભીર ઇજાગ્રસ્ત શ્રમિકની માત્ર લાખોનો હોસ્પિટલનો સારવારનો ખર્ચ કરવાની સાથે પણ હોસ્પિટલમાં જ એક મહિનો સુધી ખડેપગે રહીને એક પરિવારના સભ્ય જેવી આત્મીયતાથી સેવા અને સારવાર કરાવી જિંદગી બચાવી તેની વાત કરવાની છે. આ વાત જરાય અતિશયોક્તિભરી નથી. પણ એકદમ સાચી ઘટના છે. જેમાં મોરબીમાં રહેતા અને ગોકુલ સિમેન્ટ પાઇપ નામનું કારખાનું ધરાવતા જગદીશભાઈ ઘોડાસરાના કારખાનામાં વર્ષોથી રહીને મજૂરી કામ કરતા ગોરધનભાઈ નાથાલાલ પ્રજાપતિ નામના શ્રમિકને કામ કરતી વખતે ગંભીર ઇજા પહોંચી હતી. તેઓના પીઠ સહિતના શરીરના વિવિધ ભાગે એટલી બધી ગંભીર ઇજા થઇ હતી કે સ્થળ અર્ધબેભાન હાલતમાં હોય જીવન મરણ વચ્ચે ઝઝૂમતા હોવાથી એક ક્ષણનો વિલંબ કર્યા વગર કારખાનેદાર ખુદ તેમને વાહનમાં નાજુક હલતને જોઈને સીધા જ શહેરની સ્પેશ્યયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ જઈને એડમિટ કરીને ડોકટરોની આખી ફોજ કામે લગાડીને કહી દીધું કે, આ એક શ્રમિક નહિ પણ મારા પરિવારના સદસ્ય જ છે એટલે તેમની સારવારમાં કોઈ કચાશ ન રાખતા, એમના સારવારના ખર્ચની જરાય ચિતા જ ન કરતા, બસ એમની જિંદગી બચી જવી જોઈએ, આ સાથે આ તેમના આત્મીયજનની શ્રેષ્ઠ તબીબી સારવાર શરૂ થઈ અને એટલુ જ નહીં તેઓ અને તેમના પત્ની સાધનાબેન ઘોડાસેરાએ આ શ્રમિકને જિંદગી બચાવવા જાણે રીતસર તપ કર્યું હોય એમ એક મહિનો સુધી બંને પતિ પત્ની ગોરધનભાઈની ખડેપગે રહીને સારવાર અને સેવા કરતા અને સાથે સાથે તેઓ ઝડપથી સ્વસ્થ બની જાય તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના પણ કરતા આખરે એક મહિનાના આ દંપતીના તપે ગોરધનભાઇને મોતના મુખમાંથી બહાર લાવી દીધા હતા. જ્યારે આ શ્રમિક સંપૂર્ણપણે ભાનમાં આવ્યા અને એકદમ સ્વસ્થ થયા ત્યારે તેમના શેઠ અને તેમના પત્નીની તેમના જેવા સામાન્ય શ્રમિક માટે રૂ.10 લાખનો હોસ્પિટલની સારવારનો ખર્ચ ઉઠાવવાની સાથે પરિવાર પણ ક્યારેક ન કરે એવી હોસ્પિટલમાં ઉભા રહીને કરેલી સેવા જોઈને ગળગળા થઈ ગયા હતા.
કારખાનેદારની આટલી હદે શ્રમિક પ્રત્યેની હમદર્દીની તબીબીઓએ નોંધ લીધી
શ્રમિક ગોરધનભાઈની રાત દિવસ એક કરીને એક માસ સુધી શ્રેષ્ઠ સારવાર કરનાર ડોક્ટરોની આખી ટીમમાં શ્રેષ્ઠ સર્જન ડો.વિનોદ કૈલા, ડો.મયુર જાદવાની, ડો.ભરત કૈલા, ડો. ડેનિશ અંધારાએ જણાવ્યું હતું કે, મોરબીમાં અનેક ઉધોગોમાં વારંવાર મજૂરી કામ દરમિયાન ઘણા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા બાદ અમારી હોસ્પિટલમાં સારવારમાં આવ્યા છે. ઘણા કિસ્સામાં શ્રમિકને સિરિયસ કડીશનને કારણે બચાવી શકાયા ન હોય એવું પણ બન્યું છે. પણ મહત્વનું એ છે કે ગંભીર રીતે ઘાયલ શ્રમિકોને હોસ્પિટલમાં દાખલ કરી અને સારવારનો ખર્ચ આપવાની સાથે એક માસ સુધી પરિવારના સભ્ય જેવી કાળજી લીધી હોય એ નોંધપાત્ર પ્રેરણાદાયી કિસ્સો છે. પ્રથમ તો આ કારખાનેદારે એના શ્રમિકનો જીવ બચાવવા આટલી મોટી તબીબોની ટિમ કામે લગાડી 10 લાખ જેવો સારવારનો ખર્ચ કર્યો એ બહુ જ મોટી બાબત છે અને કદાચ સારવારનો ખર્ચ ગૌણ ગણીએ તો પણ એ કારખાનેદાર અને એમના પત્નીએ એક મહિનો સુધી સારવાર ચાલી એ દરમિયાન સતત એમની સેવા કરતા રહ્યા એમણે એક શ્રમિક પ્રત્યે દાખવેલી હમદર્દી ખરેખર સરાહનીય છે. આ કારખાનેદારે, આર્થિક અસમાનતાની ખાઈ દૂર કરવાની સાથે આજકાલના ખોટા દંભ સાથે વૈભવી વિલાસી જીવનમાં જ રચ્યા પચ્યા રહેતા માલેતુજરોના માન મરતબા કરતા દરેક માણસ નાના હોય કે મોટા દરેકની જિંદગી મૂલ્યવાન હોય એ જિંદગીને બચાવવી આ આપણું દરેકની ફરજ જ નહીં પણ ઉત્તરદાયિત્વ હોવાનું સાચા અર્થમાં સિદ્ધ કર્યું છે.
શરૂઆતના ત્રણ દિવસ તો હોસ્પિટલમાં જ ઉભા પગે રહી સારવાર કરાવી
કારખાનેદાર જગદીશભાઇ ઘોડાસરાના પત્ની સાધનાબેન ઘોડાસરા જણાવ્યું હતું કે, તેમના પતિ ગોરધનભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હોય ત્યાં તેમની નાજુક હાલત હોવાથી તેમના પતિ સતત ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં જ ઉભા પગે રહીને ઘરે આવ્યા વગર જ સારવાર કરાવી હતી અને ગોરધનભાઈની બાજુમાં જ બેસીને એમને કંઈપણ થાય તો તરત જ ડોક્ટરને બોલાવી અને જે પણ વસ્તુની જરૂર પડે તે તરત હાજર કરી દેતા, પછી અમે બન્ને પતિ પત્નીએ હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. સારવારના ખર્ચ કરતા એમની જિંદગી બચી ગઈ એ અમારા માટે મોટી બાબત છે. કારણ કે આ શ્રમિકો આખી જિંદગી અમારા કારખાનામા પોતાની જાત ઘસી નાખતા હોય એમનાથી જ અમારું કારખાનું અને અમારું જીવન ઉજળું છે. એટલે અમે જે કઈ કર્યું એ આમારી ફરજ હતી.
માલિકની દિલેરી અને શ્રમિકનું સ્વાવલંબીપણું
જગગીશભાઈએ તેમના કારખાના ઘટના બની એના થોડા દિવસો અગાઉ જ ગોરધનભાઇને બોલાવીને કહ્યું હતું કે, તમારી હવે આરામ કરવાની ઉંમર થઈ હોય તમે આ કારખાનામાં અગાઉની જેમ જ ખુશીથી રહો તેમને ઘરેબેઠા જ પગાર સહિતની તમામ જરૂરિયાત મળી રહેશે. એક પૈસા માટે પણ તમારે કોઈ ઉપાધિ કરવાની નથી અને હું એના માટે કોઈ નવી નવાઈ કરતો નથી. તમે આટલા વર્ષો કંપનીમાં કામ કર્યું એટલે કંપનીને તમારી પછીની જિંદગી સલામત રીતે એવી વ્યવસ્થા કરવાની ફરજ છે. માલિકની આવી દિલેરી જોઈને સ્વમાની ગોરધનભાઇએ વિન્યતાપૂર્વક કહ્યું હતું કે શેઠ મારા હૈયામાં હામ છે ત્યાં સુધી મહેનતનું જ કમાઈને ખાઈશ.