ફેવિકોલની પીડીલાઈટ કંપનીના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી નકલી કેમિકલ બનાવી વેંચતા હોવાની ફરિયાદના આધારે એલસીબીની કાર્યવાહી
મોરબી : મોરબીમાં ફરી એકવાર ડુપ્લીકેટનું ભૂત ધુણ્યું છે. સીરામીક હબ તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા મોરબીમાં નિત નવા કૌભાંડો બહાર આવતા રહે છે. ત્યારે હવે તો હદ થઈ ગઈ છે. જેમાં સીરામીક ટાઇલ્સ લગાવવા માટે વપરાતા કેમિકલ બનાવતી આખે આખી ડુપ્લીકેટ ફેકટરી ઝડપાઇ છે. મોરબીના ઔદ્યોગિક ઝોનમાં આવેલા એક કારખાનામાં પીડીલાઈટ કંપનીના ટ્રેડમાર્કનો ગેર ઉપયોગ કરી ડુપ્લીકેટ કેમિકલ બનાવીને વેચાતું હોવાની ફરિયાદ મળતા એલસીબીએ દરોડો પડ્યો હતો. પોલીસની તપાસમાં ફેવિકોલ બનાવતી પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝના નામે ટાઇલ્સ લગાવવાનું ડુપ્લીકેટ કેમિકલ બનાવી બજારમાં સસ્તા ભાવે કેમિકલ પાવડરની બેગ વેચાણ કરાતું હોવાનું ખુલતા આ નકલી ફેકટરીનો પર્દાફાશ કરી હાલ રૂ. 15 લાખથી વધુના જથ્થો સાથે બે આરોપીઓને ઝડપી લઈ કેમિકલ ભરવા માટે બેગ બનાવી આપનાર અન્ય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પીડીલાઈટ કંપનીના કર્મચારી મલયભાઈ યોગેશભાઈ શાહે મોરબી એલસીબીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, મોરબીના લાલપર ગામની સીમમાં ઔદ્યોગિક વિસ્તાર આવેલી એક ફેકટરીમાં પીડીલાઈટ કંપનીના ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરી આ કંપનીના સીરામીક ટાઇલ્સ લગાવવાના કેમિકલ બનાવીને તેનું વેચાણ કરીને કંપનીને નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ ફરિયાદના આધારે મોરબી એલસીબીની ટીમ કંપનીના કર્મચારીઓ તપાસ અર્થે સાથે રાખી લાલપરમાં આવેલી આ ફેકટરીમાં ત્રાટકી હતી. આ રેડ દરમિયાન લાલપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ એબીએસ બિલ્ડ ઇન્ડિયા નામની ફેકટરીમાં હાજર મળી આવેલા શિરીષ અમરીશભાઈ પટેલ અને અનિલ હરિભાઈ બાવરવાની પૂછપરછ કરતા નફો મેળવવાની લાલચે કંપનીના ટ્રેડ માર્કનો ગેર ઉપયોગ કરી કોપીરાઇટનો ભંગ કરી ટાઇલ્સ લગાવવાના કેમિકલ બનાવી સસ્તા ભાવે વેચાણ કરતા હોવાની અને આ નકલી કેમિકલ બનાવવા માટે અસલી જેવી જ બેગ આરોપી મયુર જયસુખભાઈ સાંગાણી પાસે બનાવડાતા હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે ફેકટરી ચેક કરતા ફેક્ટરીમાંથી પીડીલાઈટ કંપનીના નકલી ટાઇલ્સ લગાવવાના કેમિકલ ભરેલી 1961 બેગ કિંમત રૂપિયા 14,41,335, ખાલી બેગ નંગ 1370, પ્રિન્ટિંગ મશીન અને સિલાઈ મશીન સહિત 15,18,485નો મુદ્દામાલ સાથે બે આરોપીઓને અટકાયતમાં લીધા હતા. એલસીબી પોલીસે પીડીલાઈટ કંપનીના કર્મચારીની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કોપીરાઈટ એકટના ભંગ સબબ ફરિયાદ દાખલ કરાવી હતી.