મોરબીના યુવાન પાસેથી 15 લાખ પડાવવા ધમકી આપ્યાની ફરિયાદ
મોરબી : મોરબીના યુવાને ઘેની પદાર્થ પીવડાવી પોતાની સાથે દુષ્કર્મ ગુજારવાની સાથે ફોટો વીડિયો ઉતારી અવાર નવાર મજબૂરીનો લાભ લઇ 15 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ કરનાર પરિણીતા અને મોરબીના પત્રકાર સહિત ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
મોરબીના ભડિયાદમાં રહેતાજયદીપ જેરામભાઈ ડાભી ઉ.31 એ મેહુલ ગઢવી, રાજકોટની એક પરિણીતા અને દિપક કુમાર વદર સામેં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ જયદીપને અગાઉ રાજકોટની પરિણીતા સાથે મૈત્રી સંબંધ હોય જે બાબતનું મનદુઃખ રાખી. મેહુલ અને દીપકે જયદીપને ડરાવી, ધમકાવી બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવા ધમકી આપી રૂપિયા 15 લાખ કઢાવવા જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમા આરોપી એવી રાજકોટની પરિણીતાએ રાજકોટમાં બે દિવસ પૂર્વે પત્રકાર પરિષદ યોજી પોલીસ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. જો કે, હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે જયદીપ ડાભીની ફરિયાદને આધારે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.