કન્ટેનર નંબરના આધારે ઓળખ મળતા માળીયા મિયાણા પોલીસે કાર્યવાહી કરી
મોરબી : માળીયા મિયાણા - જામનગર હાઇવે પર ગઈકાલે વહેલી સવારે બનાસકાંઠાથી પગપાળા દ્વારકા જતા ચાર પદયાત્રિકોને હડફેટે લઈ મોત નિપજાવી નાસી ગયેલા કન્ટેનર ટ્રક ચાલકની પોલીસે ઓળખ મેળવી લઈ ગુન્હો દાખલ કર્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક પદયાત્રિકને ઇજા પણ પહોંચી હતી.
ગઈકાલે વહેલી સવારે માળીયા મિયાણા - જામનગર હાઇવે પર ચાચાવડરડા ગામના પાટિયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે પદયાત્રા કરી દ્વારકા જઈ રહેલા હાર્દીકભાઇ માલાભાઇ ચૌધરી ઉવ.૩૦, દીલીપભાઇ રાયાભાઇ ચૌધરી ઉવ.૨૮, અમરાભાઇ લાલજીભાઇ ચૌધરી ઉવ.૬૨ અને ભગવાનજીભાઇ લાલજીભાઇ ચૌધરી ઉવ. ૬૮ વાળાઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી પોતાનુ વાહન લઈ નાશી ગયો હતો.
અકસ્માતના આ બનાવ અંગે પદયાત્રિક નરસંગભાઇ સગથાભાઇ ચૌધરી ઉવ.૫૧, રહે.નવાદિયોદર તા.દિયોદર જી.વાવ-થરાદ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી અકસ્માત સર્જી નાસી ગયેલા કન્ટેનર ટ્રક ચાલકને ઓળખી કાઢી કન્ટેનર ટ્રક નંબર GJ- 12- BV- 9649ના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.