મધરાત્રે ટ્રાફિકને નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી કરાઈ
મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર છેલ્લા ઘણા સમયથી નવા રોડનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે અવારનવાર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે. તેમાં પણ આજે તારીખ 8-6-2026 ના રોજ ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે, તેથી ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બનશે ભીતિને પગલે ગઈકાલે રાત્રે તંત્ર દ્વારા નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે રવાપર વિસ્તારના લોકોએ સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવી ચર્ચા શરૂ કરી હતી અને એકત્રિત થઈને મીટિંગ પણ યોજી હતી. સ્થાનિક લોકોએ આ મામલે કાઉન્સિલરોને રજૂઆત કરી હતી. જેના પગલે કલેકટર કચેરી ખાતે મંત્રીની હાજરીમાં મહાનગરપાલિકાના કાઉન્સિલરો, હોદ્દેદારો અને અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને રવાપર રોડના ધીમી ગતિએ ચાલતા કામને ઝડપથી પૂરું કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ગઈકાલે મોડી રાત્રે આર એન્ડ બી વિભાગના અધિકારી હિતેશ આદ્રોજા સહિતની ટીમ રવાપર રોડ પર પહોંચી હતી. તંત્ર દ્વારા 2 JCB મશીન કામે લગાડીને રોડ પર નડતરરૂપ દબાણો જેવા કે બોર્ડ, થાંભલા વગેરે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકોની હવે એક જ માંગ છે કે આ રોડની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને રોજેરોજની હાલાકીમાંથી મુક્તિ મળે.