Monday - Aug 10, 2026

ટ્રકમાં પાવડરની બોરીઓની આડમાં હેરફેર કરાતો 9.37 લાખ વિદેશી દારૂ ઝબ્બે

ટ્રકમાં પાવડરની બોરીઓની આડમાં હેરફેર કરાતો 9.37 લાખ વિદેશી દારૂ ઝબ્બે

ક્રાઈમ-2 બોર્ડર રેન્જ ભુજની ટીમે માળિયા ત્રણ રસ્તાથી મોરબી તરફ જતા સર્વિસ રોડ પરથી રાજસ્થાન પાસિંગનો ટ્રક ઝડપી લીધો

મોરબી : આગામી શ્રાવણ માસને પગલે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ક્રાઈમ-2 બોર્ડર રેન્જ ભુજની ટીમે માળિયા નજીકથી પાવડરની બોરીઓની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એલ. પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ-2 બોર્ડર રેન્જ ભુજની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે મોરબી જિલ્લાના માળિયા ત્રણ રસ્તાથી મોરબી તરફ જતા બ્રિજ પાસે સર્વિસ રોડ પર એક શંકાસ્પદ ટ્રક ઉભેલ છે. પોલીસે સ્થળ પર પહોંચીને RJ-52-GA-2464 નંબરના ટ્રકમાં તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકની બોરીઓમાં સફેદ પાવડર ભરેલો હતો. આ બોરીઓ હટાવીને નીચે તપાસ કરતા ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે ટ્રકમાંથી 9,37,500 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની કુલ 4092 નાની-મોટી બોટલો કબજે કરી છે. આ ઉપરાંત 10,00,000 રૂપિયાનો ટ્રક અને 15,000 રૂપિયાની કિંમતનો આશરે 30 ટન સફેદ પાવડર (બોરીઓ) મળીને કુલ 19,52,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે ટ્રક નંબર RJ-52-GA-2464 ના ચાલક તથા તપાસમાં જેનું નામ ખુલે તેની સામે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. પી. વાઘેલા, એએસઆઈ રસિકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને મોહિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.