Monday - Aug 31, 2026

મોરબી નજીક જડેશ્વર મેળા ગ્રાઉન્ડમાં સઘન સફાઈ અભિયાનમાં ૫૭ બેગ પ્લાસ્ટિક કચરો નીકળ્યો

મોરબી નજીક જડેશ્વર મેળા ગ્રાઉન્ડમાં સઘન સફાઈ અભિયાનમાં ૫૭ બેગ પ્લાસ્ટિક કચરો નીકળ્યો

મેળા પહેલાં ડસ્ટબિનની વ્યવસ્થા ન કરી હોવાની મેળા બાદ કચરાના ગંજ ખડકાયા

મોરબી : મોરબી નજીક અને વાંકાનેરના કુદરતી સોર્દય અને ટેકરીઓ વચ્ચે બિરાજમાન સ્વંયભુ જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ માસના બીજા સોમવારે પરંપરાગત યોજાયેલા કલા, સંસ્કૃતિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ભાતીગળ મેળા બાદ ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક સહિતનો કચરાનો મહાકાય ગંજ ખડકાયો હતો. મેળો પૂર્ણ થયા બાદ આજે રવિવારે કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં મેદાનમાંથી ૧૮x૩૬ સાઈઝની ૫૭ જેટલી મોટી બેગ પ્લાસ્ટિક અને અન્ય કચરાથી ભરાઈ હતી.

મેળા દરમિયાન લોકોની અવરજવર વચ્ચે ફેલાયેલો પ્લાસ્ટિક કચરો પવન સાથે દૂર સુધી પહોંચી ગયો હતો, જ્યારે કેટલાક સ્થળે કચરો માટીમાં દબાઈ ગયો હતો. પરિણામે મેળો પૂરો થયા પછી મેદાનને સ્વચ્છ કરવાની કામગીરી વધુ મુશ્કેલ બની હતી. ટ્રસ્ટના પ્રમુખ ગૌરવ જાનીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ ગ્રાઉન્ડના વિવિધ વિસ્તારોમાં ફરીને પ્લાસ્ટિક સહિતનો કચરો અલગ-અલગ સ્થળેથી એકત્ર કર્યો હતો. અભિયાન દરમિયાન સામે આવેલી બાબત એ છે કે મેળા સ્થળે પૂરતી સંખ્યામાં કચરાપેટીઓ ઉપલબ્ધ ન હોવાથી કચરો મેદાનમાં જ ફેંકાતો રહ્યો હતો. લોકોમાં કચરો ડસ્ટબિનમાં નાખવાની જાગૃતિ વધી રહી છે, પરંતુ જાહેર કાર્યક્રમોમાં યોગ્ય વ્યવસ્થા ન હોય તો કચરો આસપાસ ફેલાઈ જાય છે.

મેળા દરમિયાન સ્ટોલ ધારકો પાસેથી ભાડું વસૂલવામાં આવે છે ત્યારે તેની સાથે સ્વચ્છતાની વ્યવસ્થા પણ આયોજનનો જ એક ભાગ બનવી જોઈએ. સ્ટોલના ભાડામાં રૂ.૧૦૦૦નો વધારો કરવો પડે તો પણ મેદાનમાં જરૂરી સ્થળોએ ડસ્ટબિન મૂકવામાં આવે, તેવી અપીલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. હવે સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના લોકમેળાઓ શરૂ થવાના હોવાથી આયોજકો અને સંબંધિત તંત્ર દ્વારા મેળો શરૂ થાય તે પહેલાં જ કચરા વ્યવસ્થાપનનું આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખાસ કરીને ખાણી-પીણીના સ્ટોલ, મુખ્ય પ્રવેશદ્વાર, બેસવાની જગ્યાઓ અને વધુ ભીડવાળા વિસ્તારોમાં ડસ્ટબિન મૂકવામાં આવે તો કચરો મેદાનમાં ફેલાતો અટકાવી શકાય.