મોટા દહીંસરા અને વર્ષામેડી વચ્ચે ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત
મોરબી : મોરબી અને માળીયા પંથકમાં દિવાળીના તહેવારોમાં પાંચ વ્યક્તિએ જીવ ગુમાવતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. જેમાં માળીયા નજીક ગોઝારો અકસ્માત થયો હતો. માળીયાના મોટા દહીંસરા અને વર્ષામેડી વચ્ચે ત્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિજપયા હતા. જ્યારે મોરબી તાલુકાની હદમાં અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા.
માળિયાના મોટા દહીંસરા વર્ષામેડી વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. આ સ્થળે રીક્ષાની સામે બુલેટ અને બાઇકની એકસાથે ટક્કર થતા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સમીરભાઈ રહેમનભાઈ મુસાણી ઉ.વ.22, રહે. મકરાણીવાસ, મોરબી નામના યુવાન અને રહીમભાઈ અવેસભાઈ સંધવાણી ઉ.વ.16 રહે. કાજરડા માળીયા મી. નામના સગીર, તેમજ ઇમરાનશા સમીરશા સહમદાર ઉ.વ.18 રહે.મકરાણીવાસ, મોરબીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મૃતકો ઝીંઝુડા ખાતે ઉર્ષમાં હાજરી આપવા જઈ રહ્યા હોય ત્યારે આ જીવલેણ અકસ્માતની કરુણ ઘટના બની હતી. આ જીવલેણ અકસ્માતમાં અબ્દુલભાઇ અબ્બાસભાઈ કાજડિયા રહે. કાજરડા માળીયા ઉ.વ.30 સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતની ઘટના અંગે માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મોરબીના ઝિંઝુડા નજીક સોલંકીનગર પાસે બાઇક લઈને જતા લીયાક્તભાઈ અસકર શેડાતને અજાણ્યા વાહને હડફેટે લેતા તેમનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત મોરબી નજીક આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે બાઇક લઈને નીકળેલા હરેશભાઇ લાભુભાઈ ગણેશિયાને પણ અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બન્ને અકસ્માતના બનાવની નોંધ કરી આ મામલે મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.