Monday - May 04, 2026

મોરબીના અમરનગર ગામે ગાયો ચોરવાના પ્રકરણમાં વધુ 5 નામ ખુલ્યા

મોરબીના અમરનગર ગામે ગાયો ચોરવાના પ્રકરણમાં વધુ 5 નામ ખુલ્યા

મોરબીના અમરનગર ગામે 4 ગાયો અને 2 વાછરડાને ચોરી જવાનો પ્રયાસ કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 5 શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અમરનગર ગામના જીવુભા ભગુભા ઝાલાએ મોરબી તાલુકા પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.24ના રોજ સવારના નવેક વાગ્યે મારી ત્રણ ગાયો તથા એક વાછરડી ગામના પાદર આગળ ખુલ્લા ખેતરમા ચરાવવા મુકી હતી. આ વેળાએ ગામની અન્ય ગાયો પણ ચરતી હતી. બાદમાં બપોરના બે વાગ્યાના અરસામાં તેઓ અને અન્ય એક ગ્રામજન વિશાલભાઈ ધારાભાઇ ભુંભરીયા ત્યાં જતા ચાર શખ્સો અહીં ચરતી 4 ગાય અને 2 વાછરડાને પરાણે હકાવીને લઈ જતા હતા. જેઓને અટકાવવા જતા બે શખ્સોએ છરી કાઢી હતી. બાદમાં ગ્રામજનોને ફોન કરતા તેઓ આવી જતા છરી બતાવનાર બે શખ્સો ભાગી છૂટ્યા હતા. જ્યારે બાકીના બે શખ્સ જેમાં એક સગીર હોય, બીજો અલારખા કાસમભાઇ સુમરા રહે. વનાળીયા પકડાઈ ગયા હતા. ગ્રામજનોએ આ બાબતે બન્ને શખ્સની પૂછપરછ કરતા તેઓએ આ ગાયો ચોરી કરીને માળીયા લઇ જતા હોવાનુ જણાવેલ હતું. જે બે શખ્સ નાસી છૂટ્યા હતા તેઓનું નામ સાહીલ સિંકદર કટીયા તથા અબ્દુલ હનીફ કટીયા રહે બન્ને વીસીપરા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ફરિયાદને આધારે એક સગીર આરોપી ઉપરાંત અલારખા કાસમભાઇ સુમરાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી સાહીલ સિંકદર કટીયા, અબ્દુલ હનીફ કટીયા, અલીમામાદ રસુલભાઇ જેડા, રફીકભાઇ મીયાણા અને સુભાનભાઇ મોવરનું નામ ખુલતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.