Monday - May 04, 2026

મોરબીમાં પોલીસની 112 વાને અકસ્માતની હારમાળા સર્જતાં 5 યુવતીઓ ઘાયલ

મોરબીમાં પોલીસની 112 વાને અકસ્માતની હારમાળા સર્જતાં 5 યુવતીઓ ઘાયલ

પોલીસ વાનમાંથી ચાલક પોલીસ કર્મી અંદરથી પીધેલી હાલતમાં નીકળી ભાગવા જતા સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપી દીધો

મોરબી : મોરબીમાં ધરમપુર રોડ ઉપર પોલીસની 112 વાને ત્રણેક વાહનોને ટક્કર માર્યા બાદ રિક્ષાને જોરદાર ટક્કર મારી હડફેટે લેતા અકસ્માતની હારમાળા સર્જી હોવાનો બનાવ સામે આવ્યો છે. વધુમાં સ્થાનિકો કહી રહ્યા છે કે આ 112 પોલીસ વાન ચલાવતો પોલીસ કર્મી પીધેલી હાલતમાં હતો.

મોરબીમાં સામાકાંઠે ધરમપુર રોડ ઉપર લાભનગર નજીક વણાંક પાસે ગતરાત્રીના પોણા નવ વાગ્યાના અરસામાં પુરઝડપે જતી 112 વાને પહેલા ત્રણેક વાહનોને ટક્કર મારી હતી. બાદમાં એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ રિક્ષામાં પાંચ બહેનો મજૂરી કરી પરત ફરી રહ્યા હતા. આ પાંચેય બહેનોને ઇજાઓ પહોંચી છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ મામલે રામજીભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે 112નો ચાલક નવલખી ફાટક તરફથી આવતો હતો. તે પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે આ વાહન ચલાવી રહ્યો હતો. તેને રિક્ષાને સામેથી ટક્કર મારતા રીક્ષા બુકડો બોલી ગઈ છે. જેમાં મારી ત્રણ ભાણેજ અને બે મજૂર મળી 5 યુવતીઓને ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત પૂર્વે પણ તેને આગળ ત્રણેક વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જી તે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ લોકોએ તેને પકડી લીધો હતો. બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. અકસ્માત સર્જનાર પોલીસકર્મીએ તેનું નામ અજયભાઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસ બોલાવી એટલે પોલીસ જવાનોએ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનો છે તેમ કહી ત્યાં એકત્ર લોકોને હોસ્પિટલે આવવા કહ્યું હતું. જો કે હોસ્પિટલે પહોંચતા અહીં કોઈ આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. આમ પોલીસ જવાનો અકસ્માત સર્જનાર પોલીસ કર્મીઓને અન્ય જગ્યાએ લઈ ગયા હોવાનું જણાય રહ્યું છે.

આ મામલે બી ડિવિઝન પીઆઇ વી.એન.પરમારે જણાવ્યું કે બી ડિવિઝન વિસ્તારમાં આ બનાવ બન્યો છે. આ 112 વાન તાલુકા પોલીસના વિસ્તારની છે. આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.