મોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ 20 જાન્યુઆરીના રોજ ખોખરાધામ મંદિર ખાતે યોજાયા હતા. જેમાં 41 નવદંપતિઓએ વૈવાહિક જીવનમાં પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
સમૂહ લગ્નોત્સવમાં જયશ્રીકાનંદ ગીરી, દમયંતીબેન જાની, પ્રભુચરણદાસ, મુકેશ ભગત, નાથાભાઈ તથા અનુબેન સેવક સહિતના સાધુ-સંતો અને સેવકો, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પીઆઈ મહિલા પોલીસ લઘધીરકા, દિલીપભાઈ અગેચણીયા, ભાવેશભાઈ કંઝારીયા, રામભાઈ મહેતા સહિતના સમાજના અગ્રણીઓએ પોતાની હાજરીથી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. ખાસ કરીને કન્કેશ્વરી દેવીજી તથા ભાવેશ્વરી બહેને દ્વારા તમામ દીકરીઓને સંસાર જીવનની નવ શુભેચ્છા પાઠવી હતી. .આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન તમામ 41 દીકરીઓને દાતાઓના સહયોગથી સોના-ચાંદી સહિત 100થી વધુ ઘર ઉપયોગી અને આવશ્યક આઈટમો ભેટરૂપે આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં વર્ષ દરમિયાન તહેવારો તથા વિવિધ પ્રસંગોએ વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. માત્ર 5 દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નથી શરૂ થયેલી આ સેવાની પરંપરા આજે 41 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ 78 દીકરીઓના સમૂહ લગ્ન અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા કરાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની તેમજ પછાત અને જરૂરિયાતમંદ પરિવારોમાંથી આવતી દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય બની રહ્યું છે.