Friday - Apr 17, 2026

મોરબી પાલિકામાં ભાજપના એકચક્રી શાસનમાં સ્વ.ભંડોળના 32 કરોડ ભેદી રીતે ગાયબ

મોરબી પાલિકામાં ભાજપના એકચક્રી શાસનમાં સ્વ.ભંડોળના 32 કરોડ ભેદી રીતે ગાયબ

મોરબી નગરપાલિકાનો વહીવટ હમણાંથી રેઢિયાળ બની ગયો છે. બોડી બામણીનું ખેતર હોય એમ  ઝૂલતાપુલ દુર્ઘટનામાં નગરપાલિકાની બોડી પણ જવાબદાર હોવાનું જણાતા રાજ્ય સરકારે નગરપાલિકાની ભાજપની બોડીને બરખાસ્ત કરી હતી. પણ તે પહેલા નગરપાલિકામાં વિકાસ કામો માટે અનામત રાખેલા ગ્રાન્ટના રૂ. 32 કરોડ ભેદી રીતે ગાયબ હોવાથી આવડી મોટી રકમ કોણ હડપ કરી ગયું એનું સાચું ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ પાલિકાના ચીફ ઓફીસરને અરજી કરીને મોરબી નગરપાલીકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોય અને ઉપરથી રૂ. 32 કરોડ જેવું સ્વભંડોળ  જ ગૂમ હોવાનું બહાર આવતા ક્યાંક ને ક્યાંક કોઈ પાલિકાના જવાબદારોએ શહેરમાં વિકાસ કામના બહાને ગ્રાન્ટ તરીકે ઉપયોગ કરી મોટું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. કારણ કે હાલ પાલિકાની તિજોરી ખાલીખમ છે. એકબાજુ પાલિકાની તિજોરી ખાલી હોવાથી ઘણા સ્ટાફને પગાર ન આપી શકતા હોય અને સીટી બસ તેમજ ખુટિયાઓની જાળવણી માટે નિભાવ ખર્ચ ન હોવાથી તેમજ અધિકારીઓ પણ મોટાભાગે ગાયબ હોય ઘણા વિસ્તારના લોકો ગટર, પાણી રોડ રસ્તા મુદ્દે નગરપાલિકાને ખખડાવી જાય છે.

પાલિકામાં ભાજપ શાસનમાં  વિકાસના કામોની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે. તેમજ જે કામ આજે કોઈ રીતે સુવિધાયુક્ત ન હોય તો તેવા કામોના ચુકવાણાના બીલની રકમ વસુલ કરવામાં આવે અને આવી એજન્સીઓને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે. મોરબી શહેરમાં પંચાસર રોડ અને રવાપરમાં આર.સી.સી. રોડની, અન્ય કામો પણ થઈ રહ્યા હોય, કોઈ કામ ઉપર કામની વિગત દર્શાવતુ બોર્ડ લગાવી યોગ્ય કાર્યવાહી કરવા નહિતર જન આંદોલન છેડવાની ચીમકી આપી છે.