અમેરિકાએ ટેરીફ ઘટાડતા સીરામીકનું અટકેલું એક્સપોર્ટ ટોપ ગિયરમાં દોડશે
ચારેકોરથી સંકટમાં હોવા છતાં બજેટમાં કોઈ રાહત ન થઈ હોવાની વચ્ચે 50 ટકામાંથી 18 ટકા થયેલો ટેરીફ મોરબીના સીરામીક ઉધોગ માટે પ્રાણવાયુ બન્યો
મોરબી : વૈશ્વિક સ્તરે ચાઈનાને હંફાવી વિશ્વના બીજા નબરનો ગણાતો મોરબીનો સીરામીક ઉધોગ ઘણા સમયથી ચારેકોરથી સંકટમાં ઘેરાયેલો હતો. જેમાં લોકલ લેવલે અને વિશ્વ સ્તરે સીરામીકની ડિમાન્ડ સાવ તળિયે પહોંચતા આ ઉધોગને મોટો ફટકો પડ્યો હતો. આવી ભયકર મંદીને કારણે 200થી વધુ કારખાનાઓ બંધ થવાથી અનેક શ્રમિકો બેરોજગાર થઈ ગયા છે. આ ઉપરાંત સરકારની નવી અસમજભરી જંત્રીને કારણે આ બંધ થયેલા કારખાનાઓ અને મિશીનરીઓ વેચી શકતા ન હોય નાના નાના ઉત્પાદકો મુંઝવણમાં મુકાય ગયા છે. સીરામીકની ડિમાન્ડ સતત ઘટતી હોય પ્રોડક્ટના ભાવો વધારી શકાતા ન હોય એવી કપરી પરિસ્થિતિ ગમે ત્યારે ગેસ કંપનીઓ ગેસના ભાવ વધારી દેતી હોવાથી ઉધોગકારોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમેરિકાએ અગાઉ 50 ટકા જેવો ટેરીફ લાગુ કરી દીધો હતો.જેથી મોરબી સીરામીક ઉધોગનું જે રૂ.1500 કરોડનું એક્સપોર્ટ હતું તે ઘટીને રૂ.600 કરોડનું થઈ ગયું હતું. સીરામીકના કપરી સ્થિતિ વચ્ચે ઉધોગકારોને કેન્દ્રીય બજેટ પર મોટી રાહતની અપેક્ષા હતી..પણ દરેક વખતની જેમ નિરાશા જ હાથ લાગી હતી. બજેટમાં સીરામીક ઉંધીગને સીધો કોઈ ફાયદો થયો ન હતો. બીજી તરફ સીરામીક મુશ્કેલી વધતી જતી હતી. જો આવીને આવી ગંભીર પરિસ્થિતિ રહી હોત તો વૈશ્વિક સ્તરે ટકવું મુશ્કેલ હતું. પણ તેવામાં અમેરિકામાં તાજેતરમાં જે ટ્રેડ ડ્રિલ થઈ હતી જેના કારણે હવે ભારત ઉપર 50 ટકામાંથી ઘટાડીને18 ટકા ટેરીફ લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે એની સામે ચાઈના પર ભારત કરતા વધુ ટેરીફ છે. તેથી અમેરિકામાં ભારત અને ખાસ કરીને મોરબીના સીરામીકનું એક્સપોર્ટ ફરી વધે તેવી શકયતા ઉધોગકારોએ વ્યક્ત કરી છે. આ ટેરીફ ઘટવાથી ચાઈના કરતા આપણું એક્સપોર્ટ વધશે આથી મંદીમાંથી આ ઉધોગને ફાયદો થશે તેમ મોરબી ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ સંદીપભાઈ દેત્રોજાએ જણાવ્યું છે.
3 હજાર કરોડથી પણ વધુ એક્સપોર્ટ થવાના ઉજળા સંજોગો
સીરામીક એસોસિએશનના પ્રમુખ હેરેશ બોપલીયાએ જણાવ્યું હતું કે, સીરામીક ઉધોગના અસ્તિત્વ સામે અનેક પડકારો હતા જેમાં વૈશ્વિક મંદી અને અમેરિકાએ અગાઉ 50 ટકા ટેરીફ લાગુ કર્યો હતો.જેનાથી સીરામીકનું અગાઉ જે 1500 કરોડનું એક્સપોર્ટ હતું તે ઘટીને 600 કરોડે પહોંચી ગયું હતું. આ એક્સપોર્ટ તળિયે પહોંચ્યું હોવાની વચ્ચે હવે અમેરિકામાં 50ટકામાંથી 18 ટકા જ ટેરીફ થઈ જવાથી સીરામીક એક્સપોર્ટમાં ગ્રોથ થશે. હવે અમેરિકામાં સીરામીકનું 1500 કરોડમાંથી 3 હજાર કરોડનું એક્સપોર્ટ થાય તેવા ઉજળા સંજોગો રહેલા છે તેમ તેમણે જણાવ્યું હતું.