સાયબર ગઠિયાઓ મોરબીમાં અવાર નવાર શેરબજાર અને સારી કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને ઠગાઈ આચરી રહ્યા હોવા છતાં લોકો અજાણ્યા ઉપર ભરોસો મૂકી લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. આવા જ એક વધુ કિસ્સામાં મોરબીના યુવાન સાથે ઝુડીયોની ફ્રેન્ચાઇઝી આપવાના નામે 28 લાખથી વધુ રકમની ઠગાઈ થતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરના વાઘપરામા રહેતા હિરેનભાઈ મહેન્દ્રભાઈ પુજારા નામના વેપારીએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમને ત્રણ અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી ઝુડીયોની ફ્રેન્ચાઇઝી માટે ઓફર થતા વિશ્વાસ આવી જતા યુકો બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ત્રણ અલગ અલગ એકાઉન્ટમાં ગઠિયાઓના કહેવા મુજબ રૂપિયા 28,03,500 ની રકમ અલગ અલગ સમયે ટ્રાન્સફર કરી હતી. બાદમાં આજદિન સુધી તેઓને ઝુડીયોની ફ્રેન્ચાઇઝી ન મળતા છેતરાયા હોવાનો અહેસાસ થતા અંતે સાયબરક્રાઇમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મોબાઈલ નંબર અને બે બેન્ક એકાઉન્ટ નંબર ધારક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.