Tuesday - Apr 28, 2026

મોરબીમાં 28 લાખના સાઇબર ફ્રોડના ગુનામાં ગઠિયો ઝડપાયો, ફ્રોડ કરવા 90 બોગસ વેબસાઈટ બનાવ્યાનો ઘટસ્ફોટ

મોરબીમાં 28 લાખના સાઇબર ફ્રોડના ગુનામાં ગઠિયો ઝડપાયો, ફ્રોડ કરવા 90 બોગસ વેબસાઈટ બનાવ્યાનો ઘટસ્ફોટ

ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં રૂ. 1.15 કરોડની છેતરપીંડી કર્યાના 3 ગુનાઓના ભેદ ઉકેલાયા : સાયબર ઠગ લોકોને લલચાવવા ગુગલ એડ પણ ચલાવતો, બાદમાં ફ્રેન્ચાઈઝીની લાલચ આપી પૈસા પડાવતો

મોરબી સાયબર પોલીસ આરોપીને પકડવા અગાઉ જમ્મુ-કાશ્મીર ગઈ પણ ત્યાં નિષ્ફળતા મળી, બાદમાં છત્તીસગઢ જઈ ત્યાં લોન્ડ્રીવાળા બનીને આરોપીને દબોચી લીધો

મોરબી : મોરબીમાં રૂ.28 લાખની છેતરપીંડી કરનાર શખ્સને મોરબી સાયબર પોલીસે પકડી લીધો છે. આ સાથે જ રાજસ્થાન અને મહારાષ્ટ્રના પણ વણઉકેલાયા 2 ગુનાઓનો ભેદ ઉકેલાય ગયો છે. આ શખ્સ 90 બોગસ વેબસાઈટ બનાવી લોકો સાથે ફ્રોડ કરતો હતો. ત્રણ રાજ્યમાં તેને રૂ.1.15 કરોડની છેતરપીંડી આચરી છે. મોરબી સાયબર પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વાઘપરામાં રહેતા હીરેનભાઈ મહેન્દ્રભાઈ પુજારા દ્વારા સોશિયલ મીડીયામાં ટાટા ઝુડીયો ફ્રેન્ચાઇઝી બાબતે સર્ચ કરતા ઝુડીયો ટ્રેન્ટ લિમિટેડ નામનુ પેજ ઓપન થયે તેના પર તેઓએ પોતાની વિગતો ભરી સબમીટ કરેલ હતી. બાદમાં આરોપીઓ દ્વારા ફરીયાદીને ફોન દ્વારા સંપર્ક કરી ડીપોઝીટના નામે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ડીપોઝીટ કરાવી કુલ રૂ. ૨૮,૦૩,૫00/- નુ ઓનલાઇન ફ્રોડ કરેલ હતુ. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામાં આવેલ હતો.

મોરબી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફ્રોડમાં થયેલ વિવિધ બેંક ટ્રાન્ઝેક્શનોને એનેલાઈઝ કરતા આરોપી દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા કરાવેલ અને ત્યારબાદ બીહાર રાજ્યમાં રૂપીયા ટ્રાન્સફર કરી એ.ટી.એમ. મશીનો દ્વારા રૂપીયા વીડ્રો કરવામાં આવેલ હતા. આ ટ્રાન્જેક્શનોને ટ્રેક કરી મોરબી સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ બિહાર રાજ્યમાં મોકલવામાં આવેલ હતી, પરંતુ મોરબી સાયબર ક્રાઈમની ટીમ બીહાર રાજ્યમાં આરોપીઓ સુધી પહોચે તે પહેલા આરોપીઓ અન્ય રાજ્યમાં ભાગી જવાથી મોરબી સાયબર ક્રાઈમની ટીમને સફળતા મળેલ ન હતી. બાદમાં આ ગુનામાં વપરાયેલ ઈ-મેલ આઈડી, ડોમેઈન અને સોશિયલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ જાહેરાતો છત્તીસગઢ રાજ્યના ભીલાઈ શહેરથી સંચાલીત કરાતી હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં મોરબી સાયબર પોલીસની ટીમે છત્તીસગઢના ભીલાઈ જઈ વેશ પલ્ટો કરી લોન્ડ્રી વાળા માણસો બની આરોપીના રહેણાંક મકાને જઈ લોન્ડ્રીના કપડા માંગતા આરોપી કપડા આપવા બહાર નિકળતા પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ રીતુઆનંદ પરમેશ્વર પ્રસાદ સીંધ હોય અને તે મુળ રહે. ઝારખંડ, હાલ: ભીલાઈ, છત્તીસગઢ હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાથમિક પૂછપરછમાં આરોપી આઈ.ટી. સેક્ટર, વેબ ડેવલોપીંગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઈટ ડીઝાઈનીંગ અને કંટેન્ટ માર્કેટીંગનો જાણકાર છે. આરોપી દ્વારા RIMOBIT.COM (Rimobit Infotech) નામની કંપની ચલાવી web and Digital services ના નામે પોતાના ભાળાના મકાનમાંથી ઓનલાઇન ફ્રોડનુ નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.આ કામગીરીમાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે.દરબાર, એ.એસ.આઇ. જયપાલસિંહ ઝાલા, હેડ.કોન્સ. નિર્મળસિંહ જાડેજા, રામસિંહ જાડેજા, પો.કોન્સ. મનોજભાઈ લકુમ સહિતના રોકાયેલ હતા.

સરકારી યોજના સહિતની 90 બોગસ વેબસાઈટ બનાવી

આ શખ્સે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના, બીએસએનએલ, ભારતીય સી.એન.જી. પંપ, ચાર ધામ, ટાટા ઝુડીયો, કેમ્પા કોલા, પેઈન્ટ ફ્રેન્ચાઇઝી, રોયલ ઇન્ફિલ્ડ, ફર્ટિલાઈઝર ડિલર શિપ, કસ્ટમર સર્વિસ પોઈન્ટ, ફાઈનાન્સ સર્વિસ પોઈન્ટ, સિમ્પલ એનર્જી, મેક ડોનાલ્ડસ ફ્રેન્ચાઇઝી, કૃષિ સોલાર પંપ યોજના, સિમેન્ટ ફ્રેન્ચાઇઝી, બર્ગર કિંગ, ડોમીનોઝ ફ્રેન્ચાઈઝી, કેએફસી ફ્રેન્ચાઇઝી, કેરલા લોટરી, ઓનલાઈન ગેમિંગ સહિતની 90 બોગસ વેબસાઈટ બનાવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ગૂગલ એડ ચલાવી લોકોને લલચાવીને શિકાર બનાવતો હતો.

અન્ય બે ગુનાના પણ ભેદ ઉકેલાયા

આરોપીની પુછપરછમાં તેને મોરબીમાં રૂ. ૨૮,૦૩,૫૦૦/-ની છેતરપીંડી કરી હોવાની કબૂલાત આપી છે. આ ઉપરાંત તેને રાજ સ્થાન રાજ્યના ડુંગરપુર વિસ્તારમાં રૂ. ૩૩,૨૪,૫૦૦/- અને નવી મુંબઇમાં રૂ. ૫૪,૭૦,000/- મળી કુલ રૂપીયા ૧,૧૫,૯૮,૦૦૦/- ની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.