પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી 40.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માળીયા - હળવદ હાઇવે પર નવકાર કારખાના નજીકથી ભુસાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લઇ ટ્રક ચાલકની ધરપકડ કરી ટ્રક તેમજ વિદેશી દારૂની નાની મોટી 6672 બોટલ કબ્જે કરી રૂ.40,16,200નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો મોકલનાર સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
માળીયા મિયાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરફેર અંગે સચોટ બાતમી મળતા વોચ ગોઠવી માળીયા - હળવદ હાઇવે પર નવકાર કારખાના પાસે શંકાસ્પદ ટ્રક નંબર આરજે - 36 - જીએ - 9858 ને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી ભૂંસાની બોરીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 6672 કિંમત રૂપિયા 21,07,200 મળી આવી હતી.
પોલીસે દરોડા દરમિયાન ટ્રક ચાલક આરોપી દરિયાવસિંહ લખાસિંહ રાવત ઉ.46 રહે.બિલિયાવાસ, રાજસ્થાન વાળાને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી રાહુલ રહે.જયપુર વાળાએ મોકલ્યો હોવાનું કબુલતા દારૂ મોકલનાર, દારૂનો જથ્થો મંગાવનાર, ટ્રક માલિક તેમજ તપાસમાં જે ખૂલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી રૂ.21,07,200નો દારૂ, 4 હજાર રોકડા, રૂ.19 લાખનો ટ્રક તેમજ એક રૂ.5000ની કિંમતના મોબાઈલ ફોન સહિત રૂ.40,16,200નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.