મોરબી : વાંકાનેરના સગીરાનું અપહરણ કરી વારંવાર જાતિય હુમલો કરવાના પોકસોના કેસમાં પોકસો અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. જેમાં આરોપીને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનારને રૂ.૪.૩૫ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.
ગત તા. ૨૮/૧૦/૨૦૨ર ના રાત્રીના સાડા આઠથી તા. ૨૯/૧૦/૨૦૨૨ ના વહેલી સવારના ચાર વાગ્યા દરમ્યાન પાજ ગામની સીમમાંથી ફરીયાદીની સગીરવયની દીકરીને આરોપી મીથુન ઉર્ફે મીતનીયો જામસીંગ ચૌહાણ (ઉ.વ.૨૩), રહે. પુંજારા તા. બાગલી, મધ્યપ્રદેશવાળાએ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી પોતાની સાથે જ પાજથી સુરત તથા ભરવાડા ગામ જી. પોરબંદર લઈ જઈ તા. ૨૮/૧૦/૨૦૨૨ થી તા. ૧૬/૦૪/૨૦૨૩ સુધી વારંવાર પ્રવેશ જાતીય હુમલો કર્યો હતો.
આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સજા અને રૂ.૩૫ હજારનો દંડ ફટકાર્યો છે. વધુમાં ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના, ૨૦૧૯ ના નિયમો તથા શેડયુલના અનુક્રમ નં. ૯ તેમજ નિયમ-૯(૫) અનુસાર, અપીલ પીરીયડ બાદ આ કામના ભોગબનનારને રૂા. ૪,૦૦,૦૦૦/- અને આરોપી જે દંડની રકમ રૂા. ૩૫,૦૦૦/- ભરે તે મળી કુલ રૂા. ૪,૩૫,૦૦૦/- વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.