વાંકાનેરના અમરસર ગામના લોકોને એકાદ બે સમસ્યાને બાદ કરતાં મોટાભાગની વાતે સુખ છે. ખાસ તો જરૂરી એવા આરોગ્ય કેન્દ્ર જ ગામમાં ન હોવાથી ગામલોકોને બીમાર પડવું પોસાય એમ જ નથી. ગામલોકોને આરોગ્ય કેન્દ્ર ન હોવાથી સારવાર માટે 4 કિમિ દૂર આવેલા તીથવા, પાંચદ્વારકા અને 5 કિમિ દૂર આવેલા વાંકાનેર શહેરમાં જવું પડે તેવી નોબત છે.જ્યારે ઇમરજન્સીમાં તો ગામની કફોડી હાલત થઈ જાય છે. આથી આ ગામને વહેલીતકે આરોગ્ય સુવિધાઓ આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
વાંકાનેર તાલુકાના અમરસર ગામના સરપંચ અયુબભાઇ નૂરમામદભાઈ કહે છે કે, તેમના ગામનો 150 વર્ષ જૂનો ઇતિહાસ હોય એ ગામ 150 વર્ષ જૂનું હોય અને હાલ ગામની વસ્તી આશરે 2 હજારની વસ્તી ખેતી, પશુપાલન અને મજૂરી કરીને રોજગારી મેળવે છે. ખેતીમાં સિંચાઇની સુવિધા હોવાથી ખેડૂતોને યોગ્ય ફાયદો થાય છે અને ત્રણ પાક લઈ શકતા હોય ખેતી આ ગામમાં હજુ પણ જીવંત રહી છે. હરિભરી ખેતીને કારણે આ ગામ હજુ ભાંગ્યું નથી. જ્યારે 1થી8 ની પ્રાથમિક સ્કૂલ, રોડ રસ્તા 100 ટકા સારા, ગટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામને પીવાના પાણીનું મોટું સુખ છે. કચરા માટે સરકાર તરફથી વાહન સુવિધા ન હોવાથી ગ્રામ પંચાયત દ્વારા જાતે કચરાનો નિકાલ કરવો પડે છે. આ ગામથી સિંધાવદર, પાંચ દ્વારકા અને તીથવા ગામને જોડતા માર્ગ કાચા હોય આ ગામોના માર્ગોને પાકા કરવાની તેઓએ માંગ કરી છે.