વિદ્યાર્થીનીઓને સમયસર ન આપતા સડી રહેલી અંદાજીત 2 હજાર સાયકલો
મોરબીની સરકારી કુમાર છાત્રાલય ના કમ્પાઉન્ડમાં માં સાયકલનો જથ્થો પડ્યો પડ્યો સળી રહ્યો છે. પછાત વર્ગની ધો. 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવાની યોજના છે જેના ભાગરૂપે સાયકલ મોરબી આવી હતી. શાળા પ્રવેત્સવ વર્ષ 2023 માં આપવાની સાયકલ વિદ્યાર્થીનીઓ ને મળી નથી પરંતુ સાયકલ જે સ્થળ પર પડી છે ત્યાં સાયકલ ની પાસે મોટું મોટું ઘાસ ઉગી નિકળ્યું છે. શા માટે સાયકલ વિદ્યાર્થીનીઓ ને આપવામાં આવી નથી અને આ ભંગાર થઈ રહેલી સાયકલ શું આવનાર સમયમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે કે કેમ ?
મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયના કમ્પાઉન્ડમાંમાં છેલ્લા કેટલાક સમયથી સાયકલનો જથ્થો પડ્યો છે. અંદાજીત 1200 જેટલી સાયકલનો જથ્થો સળી રહ્યો છે. ચોમાસાની સીઝન હોય વરસાદના કારણે સાયકલમાં કાટ લાગી રહ્યો છે અને સાયકલની આસપાસમાં ઉંચા ઉંચા ઘાસ ઉગી નીકળતા સાયકલને નુકશાન કરી રહ્યા છે. આ અંગે સમાજ કલ્યાણ અધિકારી ને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમારે 9 માં ધોરણ ની વિદ્યાર્થીનીઓ ને સાયકલ આપવાની હોઈ છે પરંતુ અમને ક્રીમકો એજન્સી પાસેથી સાયકલ મળી નથી અને અમારા કબ્જા માં પણ સાયકલ નથી. રાજ્ય સરકાર દ્વારા એક ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ ક્રીમકો કંપની ને ઓર્ડર આપ્યા હતા. આ કંપની સમાજ કલ્યાણ વિભાગ ને સાયકલ સોપે ત્યાર બાદ તેઓ વિદ્યાર્થીનીઓને સાયકલ નું વિતરણ કરતા હોય છે. જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જે સાયકલ ધૂળ ખાઈ રહી છે તે કંપની ની હોવાનું અને સરકારને હજી સુધી સોપવામાં ન આવેલ હોવાથી જે કઈ નુકશાન થાય એ કંપની એ ભોગવવાનું હોય છે. આ પ્રશ્ન માત્ર મોરબી જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં છે. કોઈ પણ ટેકનિકલ ખામી ના કારણે સરકારે આ સાયકલ સ્વીકારવાની મનાઈ કરી હતી. ટેકનીકલ ખામીને કારણે સાયકલ સરકારે સ્વીકારી નહિ પરંતુ અહિયાં સવાલ એ થાય છે કે જો વર્ષ 2023 માં શાળા પ્રવેશોત્સવ સમયે વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની હતી તો હજી સુધી તેમને આપવામાં આવી કેમ નહિ. મોરબીમાં જ અંદાજીત 2000 જેટલી વિદ્યાર્થીનીઓ સરકારની આ યોજનાથી વંચિત રહી ગઈ છે. તેમ એલ વી લાવડીયા, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.), મોરબીએ જણાવ્યું છે.