મોરબીમાં રખડતા પશુઓના પ્રશ્ને મનપા કમિશનરની ગૌશાળા સંચાલકો સાથે બેઠક યોજાઈ
મોરબી : મોરબીમાં રખડતા પશુઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આજે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પશુઓના નિભાવ અને નવી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ટંકારા અને હળવદના અંદાજે ૧૬ ગૌશાળા સંચાલકો હાજર રહ્યા હતા. જે પૈકી સંચાલકોએ વધુ 55 પશુઓને રાખવાની તૈયારી દર્શાવી બાહેંધરી આપી છે. મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખાના જણાવ્યા અનુસાર, માર્ચ 2025થી અત્યાર સુધીમાં કુલ 2452 પશુઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા પશુઓને RFID અને ટેગિંગ કરી ઓળખ આપવામાં આવી છે, જેથી તેમની દેખરેખમાં પારદર્શિતા રહે. આ પશુઓને જિલ્લાના વિવિધ તાલુકાઓની પાંજરાપોળમાં કાયમી વસવાટ માટે મોકલી આપવામાં આવ્યા છે. બેઠકમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, તેમજ હળવદ-ટંકારાના વેટેનરી ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પશુ પકડવાની આ ઝુંબેશ આગામી સમયમાં પણ અવિરત ચાલુ રહેશે.