Sunday - Jun 28, 2026

હળવદમાં 137 એકર સરકારી જમીનને ભુમાફિયાઓએ પચાવી પાડી, નવ વિરુદ્ધ ગુન્હો દાખલ

હળવદમાં 137 એકર સરકારી જમીનને ભુમાફિયાઓએ પચાવી પાડી, નવ વિરુદ્ધ ગુન્હો દાખલ

સુંદરીભવાની, કોયબા અને ઘનશ્યામપુર ગામમાં ખોટા હુકમો, સ્ટેમ્પ બનાવી કરોડો રૂપિયાની જમીન હડપ કરી લેવાઈ

એસઆઈટી અને અન્ય તપાસ બાદ મામલતદાર દ્વારા 2543 પેઇજના પુરાવા સાથે ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના સુંદરીભવાની, કોયબા અને ઘનશ્યામપુર ગામમાં અલગ અલગ રેવન્યુ સર્વે નંબરની કરોડો રૂપિયાની કિંમતની 137 એકર સરકારી જમીન ખોટા હુકમો બનવવાની સાથે બનાવટી રબ્બર સ્ટેમ્પ બનાવી ખાનગી નામે ચડાવી લેવા પ્રકરણમાં વર્ષોથી ચાલતી તપાસના અંતે હળવદ મામલતદાર દ્વારા 2543 પાનાના આધાર પુરાવા સાથે નવ આરોપીઓ વિરુદ્ધ જમીન કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અત્યંત ચકચારી આ જમીન કૌભાંડ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હેઠળ આવતો હતો ત્યારે ભુમાફિયાઓ દ્વારા ડૂબમાં જતી જમીન તેમજ અન્ય રાજાશાહી સમયના લેખને આધારે સરકારી જમીન પોતાની હોવાના બનાવટી હુકમો બનાવી ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરી ઘનશ્યામપુર, કોયબા અને સુંદરીભવાની ગામની અલગ અલગ રેવન્યુ સર્વે નંબરની અંદાજે 137 એકર જમીન કે જેની કિંમત કરોડોમાં થવા જાય છે તેવી જમીન પોતાના નામે ચડાવી લઈ મામલતદાર કચેરીમાં ખોટા બોગસ હુકમો રજૂ કરી હક્કપત્રકે નોંધ પડાવી લીધી હતી. આ જમીન કૌભાંડ બાદ તકેદારી સમિતિ એટલે કે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ગાંધીનગર સુધી તપાસ ચાલ્યા બાદ તમામ કૌભાંડકારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલચંદ્ર ભટ્ટ દ્વારા જિલ્લા કલેકટરના આદેશ બાદ હળવદ પોલીસ મથકમાં 2543 પેઇજના આધાર પુરાવા સાથે કરોડોની કિંમતી સરકારી જમીન હડપ કરવા મામલે આરોપી રમેશભાઇ બબાભાઇ કોળી,રહે-કોયબા તા.હળવદ, છગનભાઈ નાગજીભાઈ ધારીયા પરમાર,રહે-હળવદ તા.હળવદ, બીજલભાઈ અમરશીભાઈ કોળી, રહે-કોયબા તા.હળવદ, દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે-મનડાસર તા.થાન જી.સુરેન્દ્રનગર, મૂળ રહે-સુંદરીભવાની તા.હળવદ, દિનેશભાઈ હમીરભાઈ વનાણી,રહે-ઘનશ્યામપુર તા.હળવદ, રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ, રહે-ઘનશ્યામપુર તા.હળવદ, જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી, રહે-સુંદરીભવાની તા.હળવદ, મંજુબેન રત્નાભાઈ કોળી રહે-ઘનશ્યામપુર તા.હળવદ અને વનાણી હમીરભાઈ વજુભાઈ રહે-રાયસિંગપુર તા.મુળી જી.સુરેન્દ્રનગર તેમજ તપાસમા ખુલે તે તમામ વિરુદ્ધ અલગ અલગ આઇપીસી કલમ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.