મોરબી : મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ અનેક ફરિયાદો અને વ્યાજખોરો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થવા છતાંય પણ વ્યાજખોરો બફામ બન્યા છે. જેમાં મોરબીના નાની વાવડી ગામે રહેતા અને સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા યુવાને અલગ અલગ 13 વ્યાજખોરો પાસેથી રૂ.25.30 લાખ વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત મૂડી પરત કરવા છતાં વ્યાજખોરોએ કાર અને ચેક પડાવી લઈ જાનથી પતાવી દેવા ધમકી આપી યુવાનનું જીવવું હરામ કરી નાખ્યું હતું. આથી સીરામીક વેપારીઓ વ્યાજના ચકકરમાંથી બહાર આવવા પોલીસનું શરણું લઈ આ સમગ્ર મામલે 13 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા જયેશ કરશનભાઇ રાજપરા નામના યુવાને ત્રણેક વર્ષ પૂર્વે ધંધામાં જરૂરત પડતા આરોપી રાજુભાઇ આહીર રહે. કુંતાસી તા.જી.મોરબી, ભગીરથભાઇ હુંબલ રહે. મોરબી-૦૨, સુમનભાઇ રાઠોડ રહે. નાગડાવાસ, અરવીંદસિંહ ઝાલા રે. મોરબી -૨,વ જયદીપભાઇ પટેલ રહે. રવાપર રોડ, ધારાભાઇ રબારી રહે. લાલપર, રણજીતભાઇ આહીર રહે. રાજકોટ, સંજયભાઇ આહીર રહે. નાગડાવાસ તા.જી.મોરબી, ગોપાલભાઇ રાઠોડ રહે. કેરાળી તા.જી.મોરબી, સતિષભાઇ ભોરણીયા રહે. ઉમા ટાઉનશીપ મોરબી-૨, રાજુભાઇ ઘાચી રે. કાલીકાપ્લોટ, મોરબી, અકીબભાઇ મીર રહે. કલીકાપ્લોટ, મોરબી અને જયદીપભાઇ સવાભાઇ ડાંગર રહે મેઘપર તા.માળીયા મી. નામના 13 વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા 25.30 લાખ લઈ મુદલ સહિત પરત કરી દીધા હતા. જયેશભાઇ રાજપરાએ તમામ આરોપીઓને વ્યાજ સહિત મુદલ પરત આપી દેવા છતાં આરોપી રાજુ આહીર રહે.કુંતાસીવાળાએ જયેશભાઈની સ્વીફ્ટ ડિઝાયર કાર બળજબરીથી પડાવી લઈ અન્ય આરોપીઓએ અલગ અલગ 36 કોરા ચેક પડાવી લીધા હતા. સાથે જ તમામ આરોપીઓ વ્યાજ અને મુદલ આપી દેવા છતાં બળજબરી કરી ઉઘરાણી કરવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપતા તમામ 13 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.