અત્યાર સુધીમાં કુલ 11,494 મિલકત ધારકોએ 12 ટકા રિબેટનો લાભ લીધો
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરા અને વ્યવસાય વેરા પર રાહત આપવા અને મિલ્કત ધારકોમાં સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરવામાં જાગૃતિ આવે તે માટે ખાસ રિબેટ વળતર સ્કીમ દાખલ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઇન પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ અને ઓફલાઈન એટલે રૂબરૂ મિલ્કતવેરો ભરનારને 10 ટકા કર રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે ઓનલાઈન કરવેરાની યોજનાની સમયમર્યાદા 10 દિવસમાં જ પુરી થવાની હોવાથી 10 દિવસમાં ઓનલાઈન મિલ્કત વેરો ભરી 12 ટકા કર રાહતનો લાભ લેવા મિલકત ધારકોને તાકીદ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાએ ઓનલાઈન મિલ્કત વેરો ભરનારને 12 ટકા રિબેટ આપવાની યોજના અમલમાં મુક્યા બાદ અત્યાર સુધીમાં કુલ 11,494 મિલકત ધારકોએ ઓનલાઈન મિલ્કત વેરો ભરી 12 ટકા કરરાહત મેળવી છે. ઓનલાઈન ટેક્સ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ હોવાથી મોટા પ્રમાણમાં કરદાતાઓ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ સેવાનો લાભ લઈ રહ્યા છે. તો હવે છેલ્લા 10 દિવસ બાકી હોય વધુમાં વધુ નાગરિકોને રિબેટ યોજનાનો લાભ લેવા તાકીદ કરાઈ છે.
ઓફલાઈન કરવેરા પર 10 ટકા કરરાહત
ઓફલાઈન પેમેન્ટ એટલે જો મિલકતધારક મોરબી મહાનગરપાલિકાની કચેરીએ રૂબરૂ આવીને બાકી રકમની ભરપાઈ કરે તો તેમને ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% રિબેટ આપવામાં આવે છે. જ્યારે ઓનલાઈન પેમેન્ટ એટલે જો ટેક્સની ભરપાઈ વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ભરવામાં આવે, તો 12% રિબેટનો લાભ આપવામાં આવે છે. આથી મોરબી મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ તેમજ કુલ 11 વોર્ડ ઓફિસો ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરી શકાશે. જ્યારે વેબસાઈટ દ્વારા ઓનલાઈન નાગરિકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટેક્સ ભરી શકે છે. આ ઓનલાઈન સુવિધા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસ (iOS) બંને એપ્લિકેશનના QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.