Thursday - Jul 02, 2026

વાંકાનેર નજીક ખાનગી કંપનીના રૂ.11.4 લાખના વીજ વાયરને તસ્કરો ઉઠાવી ગયા

વાંકાનેર નજીક ખાનગી કંપનીના રૂ.11.4 લાખના વીજ વાયરને તસ્કરો ઉઠાવી ગયા

તસ્કરોએ અનેક સ્થળે વીજ વાયર કાપી 5.31 લાખનું નુકશાન કર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપરથી સમથેરવા ગામ વચ્ચે પવનચક્કીમાં ઉત્પન્ન થતી વીજળીના વહન માટે વીજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન અજાણ્યા ઈસમોએ અંદાજે 11.4 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરવાની સાથે રૂ.5.31 લાખના વીજ વાયરના કટકા કરી નાખી નુકશાન પહોંચાડતા બનાવ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોકની બાજુમાં રાધા રેસીડેન્સી-2 માં રહેતા અને ઓપેરા એનર્જી પ્રા.લી. કંપનીમાં એમ.ડી.તરીકે ફરજ બજાવતા જયેશભાઈ મધુભાઈ સાંજવાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ઓપેરા કંપનીએ ક્લીન મેક્સ એન્વિરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ કંપનીનો પેટા કોન્ટ્રાક્ટ રાખ્યો છે, જે અન્વયે વાંકાનેર તાલુકામાં સોલાર વિઠ્ઠલપર, વધાસીયાથી સમથેરવા સુધી વીજ પરિવહન માટે લાઇન નાખવાની કામગીરી ચાલુ છે જેમાં અજાણ્યા શખ્સોએ અલગ-અલગ સમયે અંદાજે 3000 કિલો એલ્યુમિનિયમ વાયર કિંમત રૂપિયા 11,04,000 ચોરી કરી હતી. ઉપરાંત 1770 મીટર એલ્યુમિનિયમ વાયર કિંમત રૂ. 5,31,000ને કોઈ અજાણ્યા શખ્સોએ કાપીને કટકા કરી નાખી મોટું નુકસાન પહોંચાડીને નાસી છૂટ્યા હતા.બનાવ અંગે પોલીસે બી.એન.એસ. કલમ 303(2) અને 324 મુજબ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.એ.ભરગા ચલાવી રહ્યા છે.