Friday - Jun 05, 2026

મોરબીના સિલિકોસિસ પીડીત શ્રમિકોને વળતરના આદેશનું ઉલ્લંઘન

મોરબીના સિલિકોસિસ પીડીત શ્રમિકોને વળતરના આદેશનું ઉલ્લંઘન

વધુ એક શ્રમિકનું મોત થતા સ્થાનિક DISH કચેરીની ઢીલી નીતિ સામે ન્યાય આપવા ગાંધીનગર ખાતે ગુહાર

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોના સ્વાસ્થ્ય અને કાયદેસરના હક્કોનું રક્ષણ કરવામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (DISH) કચેરી સદંતર નિષ્ફળ નીવડી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સિલિકા ડસ્ટને કારણે જીવલેણ 'સિલિકોસિસ' રોગનો ભોગ બનેલા કામદારોના વળતર બાબતે મોરબી કચેરીની ઢીલી નીતિથી કંટાળીને તારીખ 01/06/2026 ના રોજ 3 પીડિત પરિવારોએ ગાંધીનગર અને અમદાવાદ ખાતે સચિવ લોચન સેહરા સમક્ષ રૂબરૂ પહોંચીને લેખિત ફરિયાદો નોંધાવી છે.

અરજદારોની રજૂઆત મુજબ, મોરબી ડીસ (DISH) કચેરી દ્વારા જ ત્રણેય કામદારોનું વળતર નક્કી કરી, માર્ચ 2026 માં સંબંધિત કંપનીઓને 15 દિવસમાં રકમ જમા કરાવવા લેખિત આદેશ કરાયા હતા. જેમાં સોનેટ સેનેટરીવેરના રમેશભાઈ રાઠોડ માટે રૂ. 14,38,200, નોબેલ ઇન્ડસ્ટ્રીઝના સ્વ. મેરુભાઈ કણજારીયા માટે રૂ. 12,20,040 અને સિમ્પોલો વિટ્રીફાઈડના મીઠાભાઈ સોલંકી માટે રૂ. 14,67,630 નું વળતર નક્કી કરાયું હતું. જોકે, સમયમર્યાદા વીતી જવા છતાં કંપનીઓએ રકમ જમા કરાવી નથી અને મોરબી કચેરીએ આ બાબતે કોઈ કાયદેસરનો દાવો કે કડક કાર્યવાહી કરી નથી.

આ બેદરકારીનું સૌથી કરુણ પરિણામ એ છે કે નોબેલ ઇન્ડસ્ટ્રીઝના કામદાર મેરુભાઈ કણજારીયાનું વળતર મળે તે પહેલાં જ સીલીકોસીસ રોગથી મૃત્યુ થઈ ગયું છે. તેમના પુત્રએ 10 થી વધુ વાર કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેવી જ રીતે અન્ય પીડિત મીઠાભાઈ સોલંકીએ પણ કચેરીના 8 થી વધુ ધક્કા ખાધા હોવા છતાં અધિકારીઓ કોઈ જ સંતોષકારક જવાબ કે માહિતી આપતા ન હોવાના આક્ષેપ કરાયા છે. શારીરિક અને આર્થિક રીતે તૂટી ચૂકેલા કામદારોને કચેરીના ચક્કર કાપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.

ઉચ્ચ કક્ષાએ પીડિતો દ્વારા કરાઈ 4 મુખ્ય માંગણીઓ

1. તાત્કાલિક કેસ દાખલ કરો: કંપનીઓએ રકમ જમા ન કરાવી હોય તો સરકારના પરિપત્ર મુજબ વળતર કમિશનર સમક્ષ કાયદેસરનો વળતર દાવો દાખલ કરવામાં આવે.

2. અધિકારીઓ પાસે ખુલાસો માંગો: વળતર અપાવવામાં અને દાવો દાખલ કરવામાં નિષ્ક્રિયતા દાખવનાર મોરબી ડીસ કચેરીના સંબંધિત અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવે.

3. વ્યાજ અને પેનલ્ટી સાથે વળતર: તમામ પીડિતોને તેમના કાયદેસર હક મુજબનું વળતર વ્યાજ અને પેનલ્ટી સાથે તાત્કાલિક ચૂકવવામાં આવે.

4. વીમો ફરજિયાત કરો: ભવિષ્યમાં અન્ય કામદારો આ રીતે ન રઝળે તે માટે ખાતા દ્વારા તમામ ઔદ્યોગિક એકમોને 'કામદાર વળતર ધારા' નો વીમો ખરીદવાની કડક સૂચના આપી તેનું પાલન કરાવવામાં આવે. જો કામદારો ESI કાયદા હેઠળ આવરી લઇ શકાય તેવા હોય તો તેમને ESI કાયદા હેઠળ આવરી લઇ તેમને ઓળખ કાર્ડ કઢાવી આપવું.

જો સત્વરે આ ગરીબ અને બીમાર કામદારોને ન્યાય નહીં મળે તો તેમની સ્થિતિ વધુ કફોડી બનશે તેવી ભીતિ પરિવારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.