બે શખ્સો અને એક કિશોરને રૂ.1.20 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા
વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગત મહિને બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં વાંકાનેર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વડોદરાથી બે શખ્સો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
વાંકાનેર શહેરમાં અલગ અલગ સોસાયટીમાં ગત તા. ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રી દરમ્યાન તસ્કર ગેંગ બંધ મકાનોના તાળા અને નકુચા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫, ૩૩૧(૪) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સુચના અને DySP એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ PI એચ.એ.જાડેજાની ટીમ આ ગુનો ઉકેલવા પ્રયત્નશીલ હતી. સર્વેલન્સ ટીમે ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસી, ટેકનિકલ સોર્સ અને ટાવર ડમ્પની મદદ લીધી હતી. ટીમને મળેલી ખાનગી હકીકત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.
રાજાસિંઘ સતનામસિંઘ બાવરી/સિકલીકર (રહે. પ્રતાપગંજ, વડોદરા), કુલદિપસિંઘ બીરસિંઘ ટાંક/સિકલીકર (ઉ.વ.૨૭, રહે. સાકરદા, જિ. વડોદરા), એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પોલીસે આરોપીઓ પાસેથી આશરે ૭ તોલા વજનની સોનાની લગડી (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦) અને રોકડા રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ વડોદરાથી મોટરસાયકલ લઈને આવતા અને રાત્રે સોસાયટીઓમાં ફરીને બંધ મકાનના તાળા લોખંડના સળીયા કે ડિસમિસથી તોડી ચોરી કરતા હતા. પકડાયેલ આરોપી કુલદિપસિંઘ અગાઉ બોરસદ, આણંદ રૂરલ અને આંકલાવમાં તેમજ આરોપી રાજાસિંઘ સાણંદ અને સયાજીગંજ (વડોદરા) પોલીસ મથકે ચોરીના ગુનામાં સંડોવાયેલા છે.