Thursday - Jul 02, 2026

અંત્યોદયની ભાવના સાથે તમામ ક્ષેત્રો અને કામદારોના તમામ વર્ગો માટે શ્રમ કાયદાઓનો સાર્વત્રિક અમલ કરો

અંત્યોદયની ભાવના સાથે તમામ ક્ષેત્રો અને કામદારોના તમામ વર્ગો માટે શ્રમ કાયદાઓનો સાર્વત્રિક અમલ કરો

ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોની પડતર માંગણીઓ મામલે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

મોરબી : ભારતીય મજદૂર સંઘ (BMS) - મોરબી દ્વારા કામદારોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ અંગે આજે જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

તાજેતરમાં ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઓડિશાના પુરી ખાતે ભારતીય મજદૂર સંઘનું ૨૧મું ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશભરના કામદારોને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા કરી સર્વાનુમતે કેટલાક મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવો અને કામદારોની મુખ્ય માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે ધરણા અને પ્રદર્શન કાર્યક્રમ યોજીને આ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

અંત્યોદયની ભાવના સાથે તમામ ક્ષેત્રો અને કામદારોના તમામ વર્ગો માટે શ્રમ કાયદાઓનો સાર્વત્રિક અમલ કરો

- 'અંત્યોદય'ની ભાવના સાથે તમામ ક્ષેત્રો અને કામદારોના તમામ વર્ગો માટે શ્રમ કાયદાઓનો સાર્વત્રિક અમલ કરવામાં આવે.
- બે શ્રમ સંહિતાઓ ('ઔદ્યોગિક સંબંધો સંહિતા, ૨૦૨૦' અને 'વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ સંહિતા, ૨૦૨૦') માં રહેલી કામદારોની ચિંતાઓનું નિરાકરણ લાવવામાં આવે.
- ત્રિપક્ષીય મિકેનિઝમ મજબૂત કરી 'ભારતીય શ્રમ પરિષદ' (ILC) તાત્કાલિક બોલાવવામાં આવે અને વિવિધ સમિતિઓની પુનર રચના કરવામાં આવે.
- EPS-95 હેઠળ મળતું લઘુત્તમ પેન્શન ૧,૦૦૦ થી વધારીને ૭,૫૦૦ કરવામાં આવે અને સાથે મોંઘવારી રાહત (Dearness Relief) પણ આપવામાં આવે.
- ESI અને EPF હેઠળ કવરેજ માટેની મર્યાદામાં તાત્કાલિક ધોરણે વધારો કરવામાં આવે.
- પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, ૧૯૬૫ હેઠળ બોનસ માટેની પાત્રતા મર્યાદા વધારવામાં આવે.
- બંધારણની કલમ ૧૪, ૧૫, ૧૬ અને ૨૧ મુજબ યોજના કામદારો (Scheme Workers) અને કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી (નિયમિત) કરવામાં આવે.
- સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવીને નોકરીમાં અનિશ્ચિતતા વગર ગેરંટીયુક્ત રોજગારની ખાતરી આપવામાં આવે.

ભારતીય મજદૂર સંઘ મોરબીના જિલ્લા પ્રમુખ અને જિલ્લા મંત્રી પી.એન. ઠાકર દ્વારા આવેદનપત્રના અંતે આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત સરકાર દ્વારા કામદારોના વ્યાપક હિતમાં આ દિશામાં યોગ્ય અને ત્વરિત પગલાં લેવામાં આવશે.