30 નવા ફાયર જવાનોની ભરતી કરાશે અને અત્યાધુનિક સાધનો વસાવાશે
મોરબી : 14 એપ્રિલ 1944 ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં જહાજમાં અચાનક ભીષણ આગને બુઝાવવાના પ્રયાસમાં 66 જેટલા ફાયર બીગ્રેડેના જવાનોએ જીવ ગુમાવ્યો હતો. ફાયરના આ શહીદ જવાનોની સ્મૃતિમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોરબી ફાયર વિભાગ દ્વારા ફાયર ડે અને 14 થી 20 એપ્રિલ સુધી 'ફાયર સર્વિસ વીક ઉજવણી કરી ફાયરના શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી છે.
મોરબીના કેસર બાગ ફાયર સ્ટેશન ખાતે સવારે 8 વાગ્યે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાંજે ફાયર વિભાગના વિવિધ વાહનોની એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલી કેસર બાગથી શરૂ થઈ ગેંડા સર્કલ, સર્કિટ હાઉસ, પાડા પુલ, મણી મંદિર, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી થઈને બાપા સીતારામ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. બાપા સીતારામ ચોક ખાતે 27 મીટર ઊંચી TTL (ટર્ન ટેબલ લેડર) મારફતે ફાયર જવાન દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોકોને જાગૃત કરવા માટે મિની ફાયર, બોટ, રેસ્ક્યુ ટેન્ડર, વોટર બાઉઝર અને અન્ય અત્યાધુનિક સાધનોનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેથી લોકો આધુનિક સાધનો વિશે જાણી શકે.