મોરબી : મોરબીમાં ઔધોગિક એકમો વધુ હોવાથી પ્રદુષણની ગંભીર અસરોથી જન આરોગ્યને સુરક્ષિત રાખવા વૃક્ષારોપણ જરૂરી છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મોરબીની બાબા સાહેબ આંબેડકર સ્કૂલના પરિસરમાં 100 ફૂટ × 25 ફૂટ વિસ્તારમાં કુલ 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 20 મોટા અને 80 નાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં પર્યાવરણનું જતન કરવું એ માત્ર એક જવાબદારી નથી, પરંતુ આવનારી પેઢીઓને પ્રદુષણ રહિત શુદ્ધ વાતાવરણ આપવું આપણી નૈતિક ફરજ પણ છે. આથી શાળાના બાળકો સ્વચ્છ હવા, હરિયાળું વાતાવરણ અને કુદરતની નજીક રહીને સ્વસ્થ જીવન જીવી શકે તે હેતુથી આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષો માત્ર ઓક્સિજન પૂરું પાડતા નથી, પરંતુ બાળકોને પ્રકૃતિ સાથે જોડે છે, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત આધાર પૂરો પાડે છે. આજે રોપવામાં આવેલા આ છોડ આવનારા વર્ષોમાં વિશાળ વૃક્ષો બની વિદ્યાર્થીઓને છાંયો, શુદ્ધ હવા અને હરિયાળું વાતાવરણ આપશે. તેવો સંદેશ આ સંસ્થાએ આપ્યો હતો.