Thursday - Jul 02, 2026

લીલાપર સ્મશાન પાસે મકાનમાં આગ લાગતા સિલિન્ડર બહાર કાઢી લેતા દુર્ઘટના ટળી

લીલાપર સ્મશાન પાસે મકાનમાં આગ લાગતા સિલિન્ડર બહાર કાઢી લેતા દુર્ઘટના ટળી

હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત ,ઊંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડૂબેલા યુવાનની શોધખોળ ચાલુ

મોરબી : રંગોના તહેવાર ધૂળેટીના પાવન અવસરે મોરબી જિલ્લામાં દુર્ઘટનાઓની વણથંભી વણઝાર જોવા મળી હતી. એક તરફ લોકો ઉત્સાહભેર તહેવાર મનાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ મોરબી અને હળવદ પંથકમાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓએ ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો હતો. તહેવારની ભીડ અને સંભવિત ઘટનાઓને પગલે મોરબી ફાયર વિભાગ પહેલેથી જ સ્ટેન્ડબાય મોડ પર સજ્જ હતો, જેના કારણે ત્રણેય ઘટનાઓમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચીને પોતાની કામગીરી બજાવી હતી.

હળવદ વિસ્તારમાં આવેલી વનવગડો હોટલ પાછળ પસાર થતી કેનાલમાં 40 વર્ષીય જયસુખભાઈ દિલાભાઈ પટેલ કોઈ કારણોસર ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને જયસુખભાઈને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને વધુ સારવાર અર્થે તાકીદે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમનું દુઃખદ અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.

બીજી ગંભીર દુર્ઘટના મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ નજીક સર્જાઈ હતી. અહીંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક રાજસ્થાની યુવાન ડૂબી ગયો હોવાની માહિતી ફાયર કંટ્રોલ રૂમને મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનો દ્વારા કેનાલના ધસમસતા પાણીમાં યુવાનની શોધખોળ માટે મોડી રાત સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમ છતાં યુવાનનો કોઈ પત્તો ન લાગતા, હવે આજે ફરી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ત્રીજો બનાવ આગનો હતો. મોરબીના લીલાપર સ્મશાનની સામે આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. સૌથી મહત્વની બાબત એ રહી કે, મકાનની અંદર એક રાંધણ ગેસનો સિલિન્ડર પડેલો હતો, જેને ફાયર જવાનોએ જીવના જોખમે સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. જો આ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોત તો આસપાસના વિસ્તારમાં પણ મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત.