મોરબીના સ્ટેશન રોડની સામાન્ય વરસાદમાં પથારી ફરી ગઈ છે. રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે, ત્યાંથી નીકળો એટલી સલામતીની કોઈ ગેરંટી નહિ. આથી આ ખરાબ રોડ મુદ્દે આજે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોય આ સમસ્યા તંત્રના ધ્યાનમાં મુકવા માટે સામાજિક કાર્યકરો આગળ આવ્યા હતા. સામાજિક કાર્યકરોએ સ્ટેશન રોડ ઉપર ખાંડામાં ભરેલા પાણીમાં વૃક્ષો વાવી નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ સામાજિક કાર્યકરોએ સ્ટેશન રોડ પરથી નનગરપાલિકા પહોંચી પાલિકા, ધારાસભ્ય અને અધિકારીઓના નામની નારેબાજી લગાવી હતી.
મોરબીમાં હજુ સુધી ભારે વરસાદ પડ્યો ન હોવા છતાં ઓછા વરસાદમાં પણ તંત્રની સાથે રોડનું પણ ધોવાણ થઈ ગયું છે. ત્યારે એસટી બસો સહિત હજારો વાહનોનો ઘસારો ધરાવતા સ્ટેશન રોડ ઉપર ખાડા રાજ સાથે વરસાદના કાદવ કીચડ સાથે ગંદા પાણી ભરાયા છે. તેમાં વાહનો ચાલે એટલે ગંદા પાણી આસપાસની દુકાનોમાં ઉડે છે. આ રોડની બન્ને બાજુએ લગોલગ અનેક દુકાનો આવેલી છે.મસમોટા ખાડામાં ખરાબ પાણી ભરેલા રોડથી વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે.અનેક રજુઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી ન હલ તંત્રનો કાન આમળવા માટે રાજુ દવે, જગદીશ બાંભણીયા સહિતના સામાજિક કાર્યકરો મેદાને આવ્યા હતા અને સ્ટેશન રોડ ઉપર વૃક્ષો વાવી નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે સાથે વેપારીઓએ પણ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. ત્યાંથી સામાજિક કાર્યકરો નગરપાલિકાએ પહોંચી હાથમાં વૃક્ષના ડાળખીઓ રાખી નગરપાલિકા, ધારાસભ્ય, વહીવટીદાર અને ચીફ ઓફિસરના નામની નારેબાજી લગાવી હતી. તેમજ ચીફ ઓફિસરની ચેમ્બર સામે બેસી રહી પાલિકા તંત્રને લિબળાના વૃક્ષની ડાળખીઓ આપી ઘેરાવ કરીને ઉગ્ર રજુઆત કરી હતી. અવેદનમાં જણાવ્યું હતું કે, સુપર ટોકીઝથી સ્ટેશન રોડ, ચિત્રકૂટ સિનેમા અને કબ્રસ્તાન સુધીનો રોડ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. આ રોડ ઉપર જડેશ્વર મંદિર આવેલું હોય ત્યાંથી હમણાં ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા નિકળનાર હોય એ ખરાબ રોડથી ભારે હાલાકી પડે એમ હોવાથી વહેલી તકે સારો રોડ બનાવવાની માંગ કરી છે.