નજરબાગ પાસે ટ્રેન હેઠળ યુવાનના આત્મઘાતી પગલાંથી પરિવારમાં અરેરાટી
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે પાટા ઉપર ગતરાત્રિના યુવાને માથું મૂકી દીધું હતું. ત્યારે ધસમસતી આવતી ટ્રેનના ડ્રાઇવરે ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને યુવાન ટ્રેન હેઠળ કચડાઈ ગયો હતો. તેનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘરકંકાસમાં યુવાનને આ અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે રાત્રીના સમયે ગાંધીધામ-બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક જ એક યુવાન દોડીને આવ્યો હતો અને રેલ્વે ટ્રેક ઉપર અચાનક આપઘાત કરવાના ઇરાદે આ યુવાને રેલવે ટ્રેક ઉપર માથું મૂકી દીધું હતું. થોડે દૂરથી આવતી ટ્રેનના ડ્રાઇવરે આ દ્રશ્ય જોઈ જતા યુવાનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ટ્રેન અટકાવવાનો ડ્રાઇવરનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. અંતે ટ્રેન યુવાનને આંબી જતા ટ્રેન હેઠળ કચડાતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં પોલીસે તપાસ કરતા મૃતક યુવાનની પાસેથી મળી આવેલા આધારકાર્ડ મુજબ તેનું નામ સુધીરભાઈ પ્રધાન (ઉમર ૨૯) મૂળ રહે.ઓડિશા હાલ નાઈસ સીરામીક પાસે લાલપર મોરબી હોવાની ઓળખ મળી હતી. પોલીસે આ બનાવની તેના પરિવારને જાણ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશના લીધે યુવાને અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ બહાર આવ્યું છે. તેમ છતાં આ બનાવમાં અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. યુવાને ઘરકંકાસમાં આત્મઘાતી પગલું ભરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.