Thursday - May 07, 2026

હળવદના પ્રતાપગઢના નજીક રીક્ષા પલ્ટી જવાથી મહિલાનું મોત, અન્ય ત્રણ ઘાયલ

હળવદના પ્રતાપગઢના નજીક રીક્ષા પલ્ટી જવાથી મહિલાનું મોત, અન્ય ત્રણ ઘાયલ

હળવદ : માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક પુરપાટ ઝડપે જતી રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષામાં બેઠેલા માળીયા તાલુકાના જુના માણાબા ગામના મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું તેમજ રીક્ષા ચાલક તેમજ અન્ય મહિલા અને બાળકને ઇજાઓ પહોંચતા બનાવ અંગે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના જુના માણાબા ગામે રહેતા અને મંદિરની પૂજા કરતા લલિતભાઈ વલ્લભદાસ નિમાવત ઉ.41 નામના યુવાને આરોપી રીક્ષા ચાલક અજય હરજીવનદાસ નિમાવત રહે.જુના માણાબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ બપોરના સમયે આરોપી અજય નિમાવતની સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - ડબ્લ્યુ - 2309માં બેસી ફરિયાદીના પત્ની પદમાબેન, પુત્ર ઉત્તમ, રીક્ષા ચાલક અજયના પત્ની સાક્ષીબેન સહિતના લોકો હળવદ તરફ જતા હતા ત્યારે પ્રતાપગઢ ગામના પાટિયા પાસે પીરપાટ ઝડપે જતી રીક્ષા પલ્ટી મારી જતા પદમાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક અજય, તેની પત્ની સાક્ષી અને ફરિયાદીના પુત્ર ઉતમને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે હળવદ પોલીસે લલિતભાઈની ફરિયાદને આધારે રીક્ષા ચાલક અજય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.