Monday - May 04, 2026

મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચ્યાનો દાવો.

મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચ્યાનો દાવો.

દરવાજા બદલવાની કામગીરીને કારણે મચ્છુ ડેમ માંથી 11724 ક્યુસેક પાણી છોડી દેવાયું.

મોરબી : મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી હોવાનો ડેમના અધિકારીએ દાવો કર્યો છે. જો કે, અઢી માસથી ચાલતી ડેમના દરવાજા બદલવાની કામગીરીને કારણે ઘણા વિસ્તારોમાં પાણી અનિયમિતતાની ફરિયાદો સામે આવી હતી. દરવાજા રિપેરીગમાં વિક્ષેપને કારણે છેલ્લા 24 કલાકમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે નવા નિરની મોટી આવક થઈ હતી. પણ ડેમના દરવાજા બદલવાની કામગીરી થઈ રહી હોય ડેમમાં પાણી ભરાય એમ ન હોવાથી ડેમમાં પાણીની જેટલી આવક એટલી જાવક કરવામાં આવી છે. એટલે ડેમમાંથી 11724 ક્યુસેક પાણી છોડી દેવાયું છે.  હાલ 4 હજાર ક્યુસેક પાણી જાવક ચાલુ છે. દરવાજા રિપેરીગ કામને કારણે આટલા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે.


મોરબીમાં વર્ષ 1979ની મચ્છુ જળ હોનારતની દુર્ઘટનામાં મચ્છુ-2 ડેમ તૂટી ગયા બાદ આ ડેમને નવો બનાવ્યા પછી આજદિન સુધી આ ડેમના કુલ 38 ગેઇટ રિપેરીગ કે બદલ્યા ન હોય હવે કાળક્રમે જર્જરિત બની જવાથી તમામ ગેઇટને બદલવાની તાત્કાલિક જરૂરિયાત ઉભી થતા ગયા વર્ષે મચ્છુ -2 ડેમના પાંચ દરવાજા બદલ્યા હતા. ત્યારે હવે બાકી રહેલા 33 દરવાજાને બદલવાની કામગીરી એપ્રિલ માસમાં શરૂ કરવામાં આવી હતી. સરકારના નિષ્ણાત સિંચાઈ મિકેનિકલ વિભાગ દ્વારા ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જો કે ગત વર્ષે આ ડેમ આખો ભરાયને ઓવરફ્લો થયો હતો. તેથી ડેમના દરવાજાની કામગીરી પહેલા ડેમ ભરેલો હોવાથી ખાલી કરવામાં આવ્યો હતો અને પાણીના મોટા જથ્થાનો બગાડ થયો હતો. ઉનાળામાં આ કામગીરી શરૂ થઈ હોય અને બીજી તરફ ડેમમાં પાણી ઓછું હોવાથી ઘણી જગ્યાએ પાણી વિતરણમાં ખામી સર્જાય હતી. તેમજ વૈશાખ મહિનાની કાળઝાળ ગરમીમાં ડેમમાં પાણી તળિયે પહોંચી ગયું હતું. પાણી અનિયમિત અને ડેડ સ્ટોકનું હોવાથી ઠેરઠેર દૂષિત પાણી આવતી હોવાની સમસ્યા સર્જાઈ હતી. આ અંગે ડેમના અધિકારી પ્રવીણ પનારાએ જણાવ્યું હતું કે,મોરબી સીટી આખું ડેમના પાણી ઉપર નિર્ભર છે. ડેમના દરવાજા બદલવાની કામગીરીને કારણે પાણી વિતરણ વ્યવસ્થા અસર પહોંચી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીનગર પહોંચતા ગાંધીનગરમ ઉચ્ચ અધિકારીઓએ મોરબીના લોકોને પાણી માટે હેરાન ન થવુ પડે તે માટે ચોમાસા પહેલા ડેમના દરવાજા રિપેરીગની કામગીરી બેથી ત્રણ મહિનામાં પુરી કરવાનો આદેશ આપ્યો હતો.નહિતર આ કામગીરી એક વર્ષ સુધી ચાલે એમ હોય છે. ગેઇટ બદલવાનું કામ ખુબ જ કાબેલિયત સાથે કરવું પડે છે. જરાક ચૂક થઈ જાય તો મોટી આફત આવે એમ હોય છે. ત્યારે ગાંધીનગરથી આદેશ આવતા અને મોરબીમાં પાણી પ્રશ્ન વધુ ગંભીર ન થાય એને ધ્યાને લઈને ખૂબ જ ઝડપથી પણ ચીવટથી આ કામ કરાયું હતું. જો કે,ડેમના દરવાજા બદલવાની કામગીરી પુરી કરવાની તા.30/6ની મુદત છે. હજુ 15 દિવસ બાકી છે. એ પહેલાં જ ડેમના તમામેં તમામ 38 ગેઇટ બદલવાનું કામ પૂરું થયું છે. હવે અમદાવાદ, જૂનાગઢના યાંત્રિક વિભાગની કાબેલ અધિકારીઓની ટિમ દ્વારા આ નવા દરવાજાનું ટેસ્ટીગ ચાલી રહ્યું છે. આજ રાત્રી સુધીમાં ટેસ્ટીગ પૂરું થશે એટલે કાલથી ડેમમાં પાણી ભરવાનું શરૂ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

ડેમમાં પાણીનું લેવલ ડેડ સ્ટોકથી ઉપર આવી ગયું

ડેમના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, વરસાદ થયો ન હતો. ત્યારે મચ્છુ ડેમમાં ડેડ સ્ટોક લેવલનું પાણી હતું. પણ ઉપરવાસમાં સારો વરસાદ પડતાં ડેમમાં નવા નીર આવતા પાણીનું લેવલ ડેડ સ્ટોકથી ઉપર આવી ગયું છે. એટલે હાલ ડેમમાં 269.47 mcft પાણી સંગ્રહિત છે. આમ છતાં પાણીમાં વાંધો નહિ આવે.કારણ કે, ડેમમાં પાણી તળિયે હતું ત્યારે નર્મદાની ડિમાન્ડ કરતા અને જરૂરિયાત મુજબ એક અઠવાડિયા સુધી પાણી આવી જતા પાણી વિતરણ કરી દેતા હતા.એટલે હજુ પણ જ્યાં સુધી વરસાદમાં નવા નિરની સારી આવક નહિ થાય ત્યાં સુધી આવી રીતે વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

મચ્છુ નદી બે કાંઠે વહેતા લોકોને ડેમ ભરાયાની આશા હતી

પ્રથમ વરસાદમાં નદી નાળા, વોકળા, ચેકડેમ છલકાયા હતા.જેમાં ઉપરવાસમાં સારા વરસદથી મચ્છુ ડેમમાં નવા નિરની જોરદાર આવક થઈ હતી. પણ ડેમના દરવાજા બદલવાની કામગીરી થઈ રહી હોવાથી તમામ ગેઇટ ખુલ્લા હોય જેટલી પાણીની આવક એટલી જ જાવક હતી. ડેમમાંથી સીધું તમામ પાણી મચ્છુ નદીમાં આવતા નદીમાં જળ વૈભવ હિલોળે ચડ્યો હતો અને મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા નદીમાં આ પાણી પ્રવાહ જોવા પુલ ઉપર લોકો ઉમટી પડ્યા હતા. જો કે સામાન્ય રીતે  દર વર્ષે ડેમ ઓવરફ્લો થાય પછી જ મચ્છુ નદી ગાંડીતુર થતી હોય આજે પણ નદીમાં પુર જેવી સ્થિતિ હોય લોકોને ડેમ ભરાયો હોય એવી આશા હતી. પણ હકીકત જુદી છે.જો કે હવે ડેમના દરવાજાનું કામ પૂરું થઈ ગયું હોવાથી આગામી વરસાદમાં ડેમ ભરાય જાય એવી આશા જાગી છે.