મોરબી શહેરના દરેક વિસ્તારોમાં લાંબા સમયથી રઝળતા ઢોરાના ત્રાસનો પ્રશ્ન સળગતો છે. તેમાંય હમણાંથી રઝળતા ઢોરો ભારે આંતક મચાવીને જનજીવનને બાનમાં લઇ રંજાડે છે. ત્યારે શહેરના મુખ્ય બજાર કહેવાય એવા વિસ્તારોમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં છાસવારે આખલાઓ બાખડીને રહીશો અને વાહન ચાલકો પર જીવનનું જોખમ સર્જાય છે.
મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં વોર્ડ નં.11 માં ઘણા સમયથી રઝળતા ઢોરોનો ત્રાસ વચ્ચે હવે અખલાઓની હિંમત જાણે વધી હોય એમ દરરોજ આખલા યુદ્ધ સર્જાઈ છે. જ્યારે જ્યારે આખલા યુદ્ધ થાય ત્યારે ત્યારે સ્થાનિકોનો જીવ તાળવે ચોંટી જાય છે. કારણ કે આખલા યુદ્ધમાં બેઉ બળદિયા બળિયા હોય પોતાનું એકબીજા સાથે જોર લગાવતા ક્યારેક આ તરફના ખુટીયાને પાછીપાની કરવી પડે તો ઘણીવાર સામેના આખલાને પણ ભીષણ યુદ્ધથી જમીન પર આઘા પાછું થવું પડતું હોય લોકો પણ હી હી કરીને કુંડાળે વળગતા હોય ભારે તમાશો સર્જાઈ છે. આખલા યુદ્ધને કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા હોવાથી તંત્ર વહેલાસર આ અંગે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.