Wednesday - Nov 05, 2025

મોરબીના રાજપરમા યુવાનની હત્યા તેના જ મોટાભાઈએ કર્યાનું ખુલ્યું

મોરબીના રાજપરમા યુવાનની હત્યા તેના જ મોટાભાઈએ કર્યાનું ખુલ્યું

નાનોભાઈ કામ ધંધો કરતો ન હોય ઉપરથી દેવું કરી બેસતા દસ વીઘા જમીન વેચવી પડી હોવાથી ઉશ્કેરાયેલા મોટાભાઈએ હત્યા કરી નાખી

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામેં આજે વહેલી સવારે યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા તાલુકા પોલીસની સઘન તપાસમાં આ યુવાનની હત્યા બીજા કોઈએ નહિ પણ તેના જ મોટાભાઇએ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.આ હત્યાના બનાવ અંગે મૃતકની બહેને નોંધાવેલી ફરિયાદ મુજબ "તારે કઈ કામ ધંધો કરવો નથી અને ગામમાંથી ઉછીના પૈસા લઈ જલસા કરવા છે. તારા કારણે દસ વીઘા જમીન વેચવી પડી" હોવાનું નાનાભાઈને કહીને તેની સાથે ઝઘડો કરી ઉશ્કેરાયેલા તેના મોટોભાઈએ ધોકા વડે બેફામ માર મારી છરીનો ઘા ઝીકી દેતા નાના ભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવામાં નાના ભાઈની હત્યા કરનાર મોટાભાઈ સામે પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઇ અઘારા ઉ.વ
37 નામના યુવાનની તેના જ ઘરમાં હત્યા કરી નાખવામાં આવી હોવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. નાના એવા રાજપર ગામમાં હત્યાના બનાવને પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.બીજી તરફ ઘરકંકાસમાં બનેલા હત્યાના આ બનાવમાં મૃતક પ્રવીણભાઈના બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના જ મોટાભાઈ મહેશભાઈએ પ્રવિણભાઈની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મૃતકના મોરબીની યદુનંદન સોસાયટી ખાતે રહેતા બહેન ભાવનાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં જણાવ્યું હતું કે, તેમના પિતાજીએ વહેલી સવારે ફોન કરી મોટાભાઈ મહેશે પ્રવિંણ સાથે મોડીરાત્રે ઝઘડો કરી બાદમાં હત્યા કરી નાખી હોવાનું જણાવતા તેઓ રાજપર દોડી આવ્યા હતા.બનાવ અંગે ભાવનાબેને વધુમાં ઉમેર્યું હતું કે, તેમના પિતાજીએ જણાવ્યું હતું કે, પ્રવીણ મોડીરાત્રે ઘેર આવ્યા મહેશે ઝઘડો કરીને કહ્યું હતું કે, તારે કઈ કામ ધંધો કરવો નથી અને ગામમાંથી ઉછીના પૈસા લઈ જલસા કરવા છે. તારા કારણે દસ વીઘા જમીન વેચવી પડી હોવાનું કહી લાકડી વડે માર માર્યો હતો અને વચ્ચે બચાવવા પડતા મહેશભાઈએ પિતાને પણ ધક્કો મારી દેતા તેઓ પડી ગયા હતા. હત્યાના બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના બહેનની ફરિયાદને આધારે સગા મોટાભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.