માળીયાના ખીરઇ ગામે આવેલ પાણીના સંપમાં મચ્છુ નદી અને વરસાદી પાણી ભરાતા સંપમાં ક્ષતિ પહોંચવાથી 30 ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. આથી 30 ગામો તરસ્યા રહેતા આજે ફરીથી સંપ ચાલુ કરી પાણી વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી છે.
માળીયા પંથકમાં પુર જેવી પરિસ્થિતિને કારણે ઠેરઠેર જળબંબાકાર થયો હતો. જેમાં મચ્છુ 2 ડેમમાંથી અઢી કલાક ક્યુસેકથી વધુ માત્રામાં પાણી છોડતા માળીયામાં તારાજી થઈ હતી. જ્યારે મચ્છુ નદીના આ પાણી નેશનલ હાઇવે નજીક આવેલ માળીયાના ખીરઇ ગામના સંપમાં ફરી વળ્યાં હતા અને માળીયાના ખીરઇ ગામના સંપમાં ત્રણ ચાર ફૂટ પાણી ભરાતા સંપની મશીનરને મોટું નુકશાન થયું હતું. જેથી પાણી વિતરણ સેવા ઠપ્પ થઈ ગઈ હતી.આથી આ સંપમાંથી આજુબાજુના 30 ગામોમાં પાણી વિતરણ કરવામાં આવતું હોય પણ સંપની મશીનરીને નુકશાન થતા પાણી વિતરણ બંધ થવાથી 30 ગામોમાં દેકારો બોલી ગયો હતો. સંપમાંથી પાણી વિતરણ બંધ થતાં 30 ગામોને પાણી ન મળવાથી ભારે પરેશાની વેઠવી પડી હતી.આજથી ફરી આ સંપને ચાલુ કરીને 30 ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવર્ત કરવામાં આવી હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું.