Sunday - Apr 26, 2026

મોરબીના માર્ગોની પથારી ફરી ગઈ, હાથ પગ ખોખરા થાય તેવી બદતર હાલત

 મોરબીના છેલ્લા બે ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદમાં માર્ગોની સાથે તંત્રની આબરુનું ધોવાણ થઈ ગયું છે. વરસાદથી મોટાભાગના રસ્તાની પથારી ફરી ગઈ છે. મોરબીના મુખ્યમાર્ગોમાં રવાપર રોડ, અયોઘ્યાપુરી રોડ રેલવે સ્ટેશન રોડ, લાતીપ્લોટ સહિતના મોટાભાગના માર્ગો ઉપર ખાડે ખાડા પડી ગયા છે. આ માર્ગો ઉપર દરરોજ હજારો વાહનો નીકળે છે. રોડ ઉપર ખાડે ખાડા હોય અને દૂરથી પાણી ભરેલા દેખાતા હોય પણ પાણી અંદર ખાડાઓ ન દેખાતા અનેક વાહન ચાલકો આ પાણી ભરેલા ખાડામાં ખાબકે છે. વાહન ચાલકોને હાથપગ ખોખરા થઈ જાય તેવી બદતર હાલત રોડની થઈ ગઈ છે. હાલ નગરપાલિકામાં ભાજપની બોડી સુપરસિડ થયેલી હોય અને વહીવટીદારનું શાસન હોય સમસ્યા ઘટવાને બદલે વધી છે. ભૂગર્ભ ગટર, પાણી ભરવવા, લાઈટ, સફાઈ સહિતના અનેક પ્રશ્નો અધરતાલ છે. ત્યારે આ રોડ પરના ખાડાનું તંત્ર ક્યાંથી બુરણ કરશે. જો કે રોડ ઉપરના ખાડાઓ બુરવામાં તંત્ર નિષફળ જાય તો લોકોની સલામતી રામભરોષે થઈ જશે તેમાં બે મત નથી.

મોરબીના માર્ગોની પથારી ફરી ગઈ, હાથ પગ ખોખરા થાય તેવી બદતર હાલત

અયોધ્યાપુરી રોડ ઉપર જુના બસ સ્ટેન્ડ પાસે 200 કિરાનાની દુકાનો આવેલી હોય મુખ્ય વિસ્તાર હોવાથી હજારો વાહનો અવરજવર કરે છે  આ રોડ ઉપર ખાડાની મોટી કડ પડી ગઈ છે. જેમાં ચઢાણ નથી. એટલે વાહન ચાલકો આ કડ ચઢી શકતા નથી. કડ ઉપર પાણી ભરાયેલા હોવાથી કડ દેખાતી ન હોય વાહન ચાલકો સીધા જ કડ સાથે અથડાય છે અને વાહનો ફસાઈ જાય છે જેને કાઢવા નવ નેજા પાણી ચડી જાય છે. દર કલાકે આ કડમાં 15 વાહનો ખાબકે છે. આખા દિવસમાં 100થી વધુ વાહનો પડે છે. તંત્રએ કડનું યોગ્ય લેવલ કરવાને બદલે મોટા પથ્થરો નાખી દેતા કડ વધુ જોખમી બની ગઈ છે. અગાઉ વાહનોમાં બાળકો બેઠા હોય તો નીચે પડી ગયાના પણ અનેક દાખલા છે.
 

મોરબીના માર્ગોની પથારી ફરી ગઈ, હાથ પગ ખોખરા થાય તેવી બદતર હાલત

પહેલો રાઉન્ડ વરસાદ પડ્યા બાદ ખાડાઓ પડી જતા થોડા સમય પહેલા તંત્રએ રોડના ખાડાનું સમારકામ કર્યું હતું. પણ જાણે થુંકના સાંધા કર્યા હોય એમ વરસાદનાબીજા રાઉન્ડમાં એ થુંકના સાંધાની પણ પથારી ફરી ગઈ હતી અને આ રોડ ઉપર કરેલા થુંકના સાંધા જાજો સમય ટક્યા ન હતા. તંત્ર ખાડાનું યોગ્ય લેવલીગ કરવાને બદલે માત્ર ખાડામાં નાના નાના પથ્થરો અને મેટલ નાખી દે છે  એના ઉપર રોલર ફેરવીને ડામર રોડ બનાવતા નથી. એટલે આવી મરમત્તની તરત જ પોલ ખુલી પડે છે.
 

મોરબીના માર્ગોની પથારી ફરી ગઈ, હાથ પગ ખોખરા થાય તેવી બદતર હાલત

લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, રોડ મગર પીઠ જેવા થઈ ગયા છે. એટલે દરિયામાં કેમ તોફાન આવે અને નાવ હાલક ડોલક થાય એમ સતત ખાડાને કારણે અમાંરા વાહનો હાલક ડોલક થાય છે  ઘણીવાર ખાડાને કારણે પડી પણ જાય છે. હવે તો અમારા વાહનોના સ્પેર પાટ અને કમરો દુખવા માંડી છે. મણકામાં પણ જોરદાર દુખાવા ઉપડે છે. છતાં આ નિભર તંત્ર જાગતું નથી, કદાચ રોડની મરમત કરે તો એમાં વેઠ ઉતારે છે  જેનાથી સમસ્યા વધુ ભારે પડે છે. એના કરતાં આ ખાડા બરોબર છે. તંત્ર મરમત કરવી હોય તો દાનત સાફ રાખે તો જ અમને ખાડામાંથી મુક્તિ મળશે.