બીમારીમાં પુત્ર મૃત્યુ પામ્યા બાદ પણ વ્યાજખોરે માનવતા નેવે મૂકી 36 લાખ પડાવ્યા
ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા યુવાને મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વ્યાજખોર પાસેથી 10 ટકા ઉંચા વ્યાજે 15 લાખ રૂપિયા લીધા બાદ યુવાનનું મૃત્યુ થતા વ્યાજખોરે યુવકના માતા પાસેથી 78 લાખ રૂપિયા વ્યાજ વસૂલવા છતાં નાણાંની ઉઘરાણી ચાલુ રાખતા ક્રૂર વ્યાજખોરી મામલે મૃતક યુવકના માતાએ વ્યાજખોર વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા ગામે રહેતા મુકતાબેન ચંદુભાઈ બરાસરા ઉ.વ.55 નામના આધેડ મહિલાએ મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયાનગરમાં રહેતા આરોપી રમેશભાઈ દેવાભાઈ જારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2022મા તેમના પુત્ર ધર્મેશે આરોપી રમેશભાઈ પાસેથી 15 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ ધર્મેશે 18 મહિના સુધી નિયમિત વ્યાજ પેટે 27 લાખ ચૂકવી આપ્યા બાદ બીમારી સબબ ધર્મેશનું મૃત્યુ નીપજ્યું હતું.
ધર્મેશના મૃત્યુ બાદ આરોપી રમેશભાઈએ પરિવારજનો પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા મુકતાબેને વ્યાજના 36 લાખ રૂપિયા અને 15 લાખ મુદલ ચૂકવી દેવા છતાં પણ ક્રૂર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ફરિયાદીના પતિ ચંદુભાઈએ આપેલ ચેક બેંકમાં નાખી ચેક રિટર્ન કરાવવા ધમકી આપી વધુ નાણાં માંગતા અંતે મુકતાબેને આરોપી રમેશભાઈ જારીયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.