Saturday - Sep 19, 2026

મોરબીની આદર્શ નિવાસી શાળામાં પાણીની એક-એક બૂંદ માટે વિદ્યાર્થીઓના વલખા

મોરબીની આદર્શ નિવાસી શાળામાં પાણીની એક-એક બૂંદ માટે વિદ્યાર્થીઓના વલખા

પીવાના પાણીથી લઈને ન્હાવા સુધીની વ્યવસ્થા ખોરવાતા 200 જેટલા પછાત વર્ગના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

મોરબી : રણજીતનગર પાસે સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા પછાત વર્ગના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ માટે પાણીની સમસ્યા ગંભીર બની હોવાની રજૂઆત કરવામાં આવી છે. નિવાસી શાળામાં વિદ્યાર્થીઓએ આખો દિવસ અભ્યાસ ઉપરાંત શાળામાં જ રહેવાનું હોવાથી પીવાનું પાણી, ન્હાવા તથા દૈનિક વપરાશ માટે પૂરતું પાણી મળવું મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ હાલ પાણીની વ્યવસ્થા ખોરવાતા વિદ્યાર્થીઓને પાણીની એક-એક બૂંદ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પીવા માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ વચ્ચે ન્હાવા માટેની પાણીની વ્યવસ્થા પણ મુશ્કેલીમાં મુકાઈ છે. પરિણામે વિદ્યાર્થીઓએ પાણી મેળવવા માટે બહારથી વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. હાલ પીવાના પાણી માટે વેયાતું પાણી લઈ આવવું પડે છે, જ્યારે શાળાની નજીકમાંથી પસાર થતી પાણીની લાઇનમાંથી પણ પાણીની વ્યવસ્થા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

નજીકમાં મચ્છુ-૨ નજીકથી પસાર થતી પાણીની લાઇનમાંથી શાળાને જોડાણ આપવામાં આવે અથવા નવી પાણીની લાઇન નાખવામાં આવે તો વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ શકે. આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી અભ્યાસમાં વ્યસ્ત રહે છે અને ત્યારબાદ પણ શાળાના પરિસરમાં જ રહે છે. આવી સ્થિતિમાં દિવસભર પીવા માટે પૂરતું પાણી ન મળવું, ન્હાવા માટે પાણીની તંગી રહેવી અને રોજિંદા ઉપયોગ માટે પાણી શોધવાની ફરજ પડવી વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલીરૂપ બની શકે છે. ખાસ કરીને ઉનાળાની ગરમી હોય કે સામાન્ય દિવસોમાં પણ સતત અભ્યાસ અને રહેઠાણ વચ્ચે પાણીની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓને પાર વગરની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રહેવા-જમવાની સુવિધા આપવામાં આવે છે ત્યાં પાણી જેવી પાયાની જરૂરિયાત માટે જ સંઘર્ષ કરવો પડે તે સ્થિતિ કપરી છે.

મોરબી આસપાસના ગામડાઓમાં વસતા પછાત વર્ગના પરિવારોનાં બાળકો અહીં રહીને શિક્ષણ મેળવી રહ્યા છે અને સરકાર દ્વારા તેમના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે શાળામાં પાણી જેવી પાયાની સુવિધા જ અપૂરતી રહેતી હોય તો વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી હાલની પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ કાયમી પાણીની લાઇનની વ્યવસ્થા કરવાની માંગ સાથે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પી. શિરોહિયા અને પૂર્વ કાઉન્સિલર જસવંતીબેન શિરોહિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, પાણી પુરવઠા વિભાગના મંત્રી અને મોરબી તાલુકા પંચાયત કચેરીને રજૂઆત કરવામાં આવી છે. શાળાને પાણીનું કાયમી જોડાણ આપવા અથવા નવી પાણીની લાઇન નાખી વિદ્યાર્થીઓને પીવા તથા ન્હાવા સહિતની જરૂરી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે.