Re-NEET ની માંગ સાથે સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા કલેક્ટર મારફત રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને રજૂઆત
મોરબી : દેશની પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG)-2026 માં સામે આવેલા કથિત પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં સ્વયમ્ સૈનિક દળ (SSD) મેદાનમાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ સાથે સંગઠન દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે લાખો હોશિયાર વિદ્યાર્થીઓ, ખાસ કરીને શોષિત અને વંચિત સમાજના બાળકો પોતાના જીવનના કિંમતી વર્ષો અને માતા-પિતાની લોહી-પસીનાની કમાણી ખર્ચીને આ પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ આ વર્ષે પરીક્ષાના આયોજનથી લઈને પરિણામ સુધી અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે, જેણે દેશના કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સંપૂર્ણ રીતે તોડી નાખ્યો છે. આ ઘટનાને સંગઠને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો ક્રૂર મજાક અને સમાનતા તથા ન્યાયના સિદ્ધાંતો પર ગંભીર પ્રહાર ગણાવ્યો છે. પેપર લીક માફિયાઓ સામે કાર્યવાહી: શિક્ષણ માફિયાઓ, દલાલો, કોચિંગ સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 3 મહિનાની અંદર આજીવન કારાવાસની કડક સજા આપવામાં આવે. શિક્ષણ મંત્રીનું રાજીનામું વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહેવા અને કૌભાંડ પર પડદો પાડવાનો પ્રયાસ કરવા બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી તરત જ રાજીનામું આપે.
Re-NEET 2026: પરીક્ષાની પવિત્રતા નષ્ટ થઈ હોવાથી, આગામી 3 મહિનાની અંદર પારદર્શક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પુનઃ પરીક્ષા (Re-NEET 2026) યોજવામાં આવે. NTA બરખાસ્ત સતત વિવાદો અને અક્ષમતાનું કેન્દ્ર બનેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે અને જવાબદારી અન્ય સ્વાયત્ત સંસ્થાને સોંપવામાં આવે. CBI તપાસ: સમગ્ર રેકેટની તપાસ સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ CBI દ્વારા સમયબદ્ધ રીતે કરવામાં આવે. વિદ્યાર્થીઓને વળતર: પુનઃ પરીક્ષા માટે કોઈ ફી લેવામાં ન આવે અને પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓના પોતાના જિલ્લામાં જ ફાળવવામાં આવે જેથી આર્થિક અને શારીરિક તકલીફ ન પડે. નવો કાયદો અને એક્શન પ્લાન: ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સરકાર પોતાનો મજબૂત એક્શન પ્લાન જાહેર કરે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરતો કાયદો બનાવે. સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો આ ન્યાયસંગત માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે, તો દેશના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને લોકતાંત્રિક મર્યાદામાં રહીને રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવશે.