ત્રણેય આરોપીઓ સવા ત્રણ વર્ષ સુધી ક્યાં રહ્યા, અન્ય કોણે મદદગારી કરી તે દિશામાં કરાશે તપાસ :
પૂછપરછમાં જો કોઈ મિલકત અંગે માહિતી મળશે તો તેને પણ ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે
મોરબી : મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓએ વર્ષો સુધી ફરાર રહ્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું. હવે આ આરોપીઓના કોર્ટે 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી મોરબી પોલીસે ત્રણે આરોપીનો કબજો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વર્ષ 2021મા શનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા. 8/9/21ના રોજ હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તે ગુનામાં 30/9/21ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સ સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. સોમવાર તા 25ના રોજ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં આરીફ મીર, મકસુદભાઈ ગફુરભાઈ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાએ સરેન્ડર કર્યું હતું. કોર્ટે આ આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આ મામલે વિગતો આપતા ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું કે અગાઉ 15 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 3 આરોપીઓ ફરાર હતા. જેઓએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ગઈકાલે કોર્ટમાં યોગ્ય દલીલ કરી ત્રણેય આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મળ્યા છે. ગઈકાલે રાત્રે ત્રણેય આરોપીઓને મોરબી લાવવામાં આવ્યા છે. આરીફ ગુલમામદભાઈ ધોળા, મકસુદભાઈ ગફુરભાઈ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા આ ત્રણેય આરોપીઓ સવા ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા. તેઓ ક્યાં રોકાયા, કોને મદદગારી કરી તે દિશામાં પૂછપરછ કરવામાં આવશે. જે તે વખતે તેઓની અનેક મિલકતો જપ્ત કરવામાં આવી હતી. બેંકમાં મુકેલી રોકડ સિલ કરાઈ હતી. હજુ પૂછપરછમાં જો કોઈ મિલકત અંગે માહિતી મળશે તો તેને પણ ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આરીફ મીર સામે અગાઉ 7 ગુના નોંધાયેલ છે.