હાઈટેક યુગમાં માત્ર શિક્ષિત હોવું જરૂરી નથી ; સંસ્કાર, સંસ્કૃતિ, આદર્શ જીવન મૂલ્યોને પણ આત્મસાત કરવા જરૂરી
મોરબી : મોરબીમાં પ્રથમવાર સમન્વય પ્રતિષ્ઠાન અને યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબીના સંયુક્ત ઉપક્રમે તથા ઇન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી 1st સૌરાષ્ટ્ર યંગ થિંકર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ પસંદગી પામેલા સૌરાષ્ટ્રના યુવા ડેલિગેટ્સ જોડાયા હતા. આ તકે વક્તાઓ અને તેજસ્વી યુવાનોએ આજના હાઈટેક યુગમાં માત્ર શિક્ષિત હોવું જરૂરી ન હોય આજકાલ જે ઇમોશનલને બદલે પ્રેક્ટિકલ થવાની દુહાય આપવામાં આવે છે તેનાથી વ્યક્તિવનું ગળું ઘોટાઈ રહ્યું હોય યુવાનો પ્રેક્ટિકલના નામે યંત્રવત બની ગયા હોવાથી જીવનનો હેતુ જ મરી પરવારી રહ્યો હોય એવી ગંભીર પરિસ્થિતિમાં યુવાનોને શિક્ષિત અને ટેકનોલોજીનું ભરપૂર જ્ઞાન મેળવીને સંસ્કાર, સંસ્કૃતિ તેમજ જીવન જીવવાના સાચા મૂલ્યોને ક્યારેય ભૂલવા.ન જોઈએ તેવી શીખ આપી હતી. સાથેસાથે સમાજ અને દેશ પ્રત્યેની પોતાની આદર્શ નાગરિક તરીકે ફરજ નિભાવવાની સમજ અપાઈ હતી.
રિસ્પોન્સિબલ યુથ ફોર યશસ્વી સૌરાષ્ટ્રની થીમ પર ડો. જીગર ઇનામદાર, ડો. દેવેન રબારી, ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા, અગ્રણી ઉધોગપતિ નિલેશભાઈ જેતપરિયા અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ યશસ્વી ભારત માટે વિચારશીલ અને જવાબદાર યુવાનોના ઘડતરની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આજના સમયમાં માત્ર શિક્ષિત અને કુશળ યુવાનો પૂરતા નથી, પરંતુ એવા યુવાનોની જરૂર છે જે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યભાવ ધરાવે, સકારાત્મક વિચારો સાથે કાર્ય કરે અને નેતૃત્વસ્વીકારવાની હિંમત રાખે, 'યુવા ધન' ની તાકાત વર્ણવીને યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. તેમજ યુવાનોને 'વિચારક' તરીકેની ઓળખ આપીને, વિચારોના બીજ વાવીને તેને યોગ્ય દિશામાં લઈ જવા અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત પ્લેનરી સેશનમાં ભગવદ્ ગીતાથી લઈને ફેમિલી બિઝનેસ સુધીનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
બેરોજગારી, માનસિક તણાવ અને ગ્રામીણ વિકાસ જેવા સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા
સેશનમાં ડેલિગેટ્સે વિપક્ષની ભૂમિકા ભજવીને ઝીરો અવરમાં મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રશ્નો, સાયબર ક્રાઈમ, પેપર લીક, બેરોજગારી, વિદ્યાર્થીઓમાં વધતો માનસિક તણાવ અને ગ્રામીણ વિકાસ જેવા સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેના શાસક પક્ષ તરફથી ટેલિ-માનસ જેવી સરકારી યોજનાઓ અને નીતિઓના સંદર્ભ સાથે સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.