Saturday - Oct 10, 2026

મોરબીમાં રવિવારથી સનાતન નવરાત્રીનો શુભારંભ, રોજ એક શહીદ પરિવારોને ₹1 લાખની સહાય

મોરબીમાં રવિવારથી સનાતન નવરાત્રીનો શુભારંભ, રોજ એક શહીદ પરિવારોને ₹1 લાખની સહાય

સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સનાતન નવરાત્રીમાં 18 વર્ણની બહેન-દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશ, 25 વીઘામાં ગરબા, 20 વીઘામાં પાર્કિંગ

મોરબી : મોરબીના સામાકાંઠે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે સનાતન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારથી શરૂ થનારા આ મહોત્સવમાં નવ દિવસ સુધી દરરોજ ગુજરાત બહારના એક શહીદ જવાનના પરિવારને આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવશે અને પરિવારને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે. દેશપ્રેમ, સામાજિક એકતા અને સેવાભાવના હેતુ સાથે યોજાનારા આ મહોત્સવમાં તમામ 18 વર્ણની બહેન-દીકરીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

આયોજક અજયભાઈ લોરિયાના નેતૃત્વમાં સંસ્થાના 220 સભ્યો દ્વારા નવરાત્રીની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અજયભાઈ લોરિયાના જણાવ્યા મુજબ, પાટીદાર નવરાત્રીની સાથે તમામ સમાજને જોડવાના હેતુથી સનાતન નવરાત્રીની શરૂઆત કરવામાં આવી છે. નવ દિવસ દરમિયાન શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય અર્પણ કરીને દેશ માટે બલિદાન આપનાર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે.

ખેલૈયાઓ માટે 25 વીઘાના વિશાળ મેદાનમાં ગરબાનું આયોજન કરાયું છે, જ્યારે સામે આવેલા રવિવારી-બુધવારી મેળાના 20 વીઘાના મેદાનમાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબામાં સંગીતનો રંગ જમાવવા માટે 'સા રે ગા મા પા' વિજેતા મહર્ષિ પંડ્યા સહિત સંગીતાબા જાડેજા, આરતીબેન ઠાકોર, જયેશ બારોટ અને મિત્તલ ગઢવી જેવા કલાકારો ઉપસ્થિત રહેશે. ગરબા સ્થળે જે.કે. સાઉન્ડની ધ્વનિ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
 

મોરબીમાં રવિવારથી સનાતન નવરાત્રીનો શુભારંભ, રોજ એક શહીદ પરિવારોને ₹1 લાખની સહાય

પરિવારો સાથે આવતા બાળકો માટે જમ્પિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી માતા-પિતા ગરબાનો આનંદ માણી શકે. વડીલો અને મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

તિલક કર્યા બાદ જ પ્રવેશ, આઠમના દિવસે હિસાબ જાહેર કરાશે

સનાતન નવરાત્રીમાં 'નો તિલક, નો એન્ટ્રી'નો નિયમ અમલમાં રહેશે. પ્રવેશદ્વાર પર 11 બ્રાહ્મણો દ્વારા ખેલૈયાઓને તિલક કર્યા બાદ જ મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત આયોજનમાં પારદર્શિતા જળવાય તે હેતુથી નવરાત્રીની આવક અને ખર્ચનો જાહેર હિસાબ આઠમના દિવસે રજૂ કરવામાં આવશે, તેમ આયોજક અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું. શહીદ પરિવારોને સહાય, તમામ સમાજની બહેન-દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશ અને પરંપરાગત ધાર્મિક માહોલ સાથે મોરબીમાં આ નવરાત્રી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે